જેલમાંથી સરકાર નહીં ચાલે : મોદીનો ધ્રુજારો, વિપક્ષો પર બોલાવી તડાપીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના ગયાજીમાં એક જનસભામાં ત્રણ વિવાદાસ્પદ બિલોનો બચાવ કરીને કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ બિલોમાં જો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી 30 દિવસથી વધુ સમય સુધી જેલમાં રહે અને તેમના પર પાંચ વર્ષથી વધુ સજાનો ગુનો હોય, તો 31મા દિવસે પદ ગુમાવવાની જોગવાઈ છે.નોંધનીય છે કે એ બિલ સામે વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે મોદીએ આ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો : રઝળતા શ્વાનોને નસબંધી અને રસીકરણ બાદ મૂળ વિસ્તારમાં પાછા મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ
મોદીએ કહ્યું કે જો કોઈ સરકારી કર્મચારી, ડ્રાઇવર કે પટાવાળો 50 કલાક જેલમાં રહે તો તેની નોકરી જાય છે. તો પછી મુખ્યમંત્રી કે વડાપ્રધાન જેલમાંથી સરકાર ચલાવે તે શું યોગ્ય છે? તેમણે વધુમાં કહ્યું કે નેતાઓએ નૈતિકતા જાળવવી જોઈએ.
મોદીએ પૂછ્યું કે કોંગ્રેસ અને આરજેડી ભ્રષ્ટાચાર સામેના આ કાયદાથી ડરે છે શું કામ ? તેમણે ઉમેર્યું કે એ પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે પણ બિહારના લોકો જાણે છે કે આરજેડીના નેતાઓ હંમેશા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ બિલોને બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનારા અને સંઘવાદ પર હુમલા સમાન ગણાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બિલોને ‘મધ્યયુગીન’ ગણાવીને તે લોકશાહીને ખતમ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બિલને શસ્ત્ર બનાવી વિપક્ષ દ્વારા શાસિત રાજ્ય સરકારોને તોડવા માટેનું ષડયંત્ર રચાયું હોવાનો પણ આક્ષેપ કર્યોં હતો. તેમણે ટીકા કરતા કહ્યું હતું કે વડાપ્રધાનને કોઈનો ચહેરો ન ગમે તો ઇડી દ્વારા કેસ કરાવી 30 દિવસમાં ચૂંટાયેલા નેતાને હટાવી શકાશે. વિપક્ષે લોકસભામાં બિલની નકલો ફાડીને વિરોધ નોંધાવ્યો હતો.વિપક્ષોએ કોઈ પણ સંજોગોમાં આ બિલ પસાર ન થવા દેવાનો નિર્ધાર કર્યો છે ત્યારે મોદીએ બિહારની સભામાં સામો પડકાર ફેંકતા બિહારની ચૂંટણીમાં આ મુદ્દો ગાજતો રહેશે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે.
તૃણમુલની ઓળખ ક્રાઈમ અને કરપ્શન જેવી થઇ ગઈ છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં ૫૨૦૦ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા બાદ પોતાના ઉદબોધનમાં મમતા સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસની ઓળખ ક્રાઈમ અને કરપ્શન જેવી થઇ ગઈ છે. કેન્દ્ર સરકાર અહી વિકાસ માટે કરોડો રૂપિયા મોકલે છે પણ તૃણમુલના કાર્યકરો લુંટફાટ ચલાવે છે.
તેમને કહ્યું કે, બંગાળમાં ઘુસણખોરી બેફામ થાય છે અને સ્થાનિક લોકોના હક્ક ઉપર તરાપ લાગે છે. આ સ્થિતિ જોખમભરી છે. બંગાળની પ્રજા પોતાના મતથી સત્તા ઉપર બેઠેલા લોકોને જાકારો આપીને સલામતિનો અનુભવ કરી શકે છે.
