વિપક્ષે નેતાઓના ફોનની સરકાર પ્રાયોજિત જાસૂસી?
‘ એપલે ‘ વિપક્ષી નેતાઓ અને પત્રકારોને આપી ચેતવણી
આઈ ફોન બનાવતી કંપની એપલે ભારતના કેટલાક વિપક્ષના નેતાઓ તેમજ પત્રકારોને તેમના ફોનને રાજ્ય પ્રાયોજિત સાઇબર એટેકર્સ દ્વારા નિશાન બનાવતા હોવાની સંભાવના દર્શાવતી ચેતવણી આપતા ભારે ચકચાર મચી ગઈ છે. વિપક્ષે સરકાર ગેરકાયદે રીતે જાસુસી કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે અગાઉ ઈઝરાયેલના સ્પાઈવેર પેગાસસ નો ઉપયોગ પણ વિવિધ ક્ષેત્રના ભારતીય નાગરિકોનીજાસુસી માટે થતો હોવાના આક્ષેપો થયા હતા.
એપલે આ નેતાઓને મોકલેલ મેસેજમાં લખ્યું છે,” એપલ માને છે કે તમને રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા નિશાન બનાવાઈ રહ્યા છે. સાયબર એટેકર્સ તમે કોણ છો અને શું કરો છો તેના આધાર ઉપર તમને વ્યક્તિગત રીતે નિશાન બનાવી રહ્યા છે. તમારા ફોન સાથે છેડછાડ કરી હોય તો રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા સંવેદનશીલ ડેટા, સંદેશા,વાર્તાલાપ તેમજ ત્યાં સુધી કેમેરા અને માઇક્રોફોન સુધી પણ પહોંચી શકે છે” સંદેશાના અંતમાં, આ કદાચ ખોટી ચેતવણી હોય તો પણ તેને ગંભીરતાથી લેવાની સૂચના આપવામાં આવી છે.સાથે જ આવી જાસુસી થી બચવા માટેના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપલની આવી ખતરાની ચેતવણી એવા લોકોને સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે જેમને રાજ્ય પ્રેરિત હુમલાખોર દ્વારા નિશાન બનાવાયા હોવાની સંભાવના નજરે પડી હોય.
કોને કોને મળી ચેતવણી?
ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા, અસાઉદીન ઓવેસી, કોંગી સાંસદો શશી થરૂર, કે.સી.વેણુગોપાલ, કોંગ્રેસના નેતા પવન ખેરા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે, શિવસેના (ઠાકરે)ના સાંસદ – પ્રવક્તા પ્રિયંકા ચાતુર્વેદી, સીપીઆઈ ના નેતા સીતારામ યેચુરી, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢા, તથા રાહુલ ગાંધીની ઓફિસમાં કામ કરતા કેટલાક લોકોને એપલ તરફથી આ ચેતવણી મોકલવામાં આવી હતી. આ ઉપરાંત ઓબ્ઝર્વેર રિસર્ચ ફાઉન્ડેશનના સમીર સરન, ડેક્કન હેરાલ્ડના તંત્રી શ્રી રામ કારી, ધી વાયરના સ્થાપક સિદ્ધાર્થ વર્દરાજનને પણ એપલની ચેતવણી મળી હતી.
આ બધાએ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાને મળેલી નોટિસના સ્ક્રીનશોટ વાયરલ કર્યા હતા અને સરકારની ટીકા કરી ખુલાસો માંગ્યો હતો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
એપલે વેબસાઈટ પર શું લખ્ય છે?
“પરંપરાગત સાયબર અપરાધીઓથી વિપરીત, રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરો ખૂબ ઓછી સંખ્યામાં ચોક્કસ વ્યક્તિઓ અને તેમના ઉપકરણોને લક્ષ્ય બનાવવા માટે અસાધારણ સંસાધનોનો ઉપયોગ કરે છે, જે આ હુમલાઓને શોધવા અને અટકાવવા માટે ખૂબ મુશ્કેલ બનાવે છે. રાજ્ય દ્વારા પ્રાયોજિત હુમલાઓ અત્યંત જટિલ હોય છે “
પેગાસસ કેસમાં શું થયું હતું?
ઇઝરાયેલ ના સ્પાઇવેર પેગાસસ દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના લોકોની સરકારે ગેરકાયદે જાસૂસી કરી હોવાની સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી સંદર્ભે અદાલતે નિયુક્ત કરેલી સમિતિએ પાંચ મોબાઇલ ફોનમાં કેટલાક માલવેર મળી આવવાનું જણાવ્યું હતું. જોકે તે પેગાસસ છે કે નહીં તે નક્કી નહોતું થઈ શક્યું. એ તપાસમાં સરકારે સહયોગ ન આપ્યો હોવાની ટિપ્પણી પણ સર્વોચ્ચ અદાલતે કરી હતી. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા નું કારણ આપી કેટલીક વિગતો જણાવવાનો ઇનકાર કર્યો હતો.