સરકારે બળજબરીથી વક્ફ બિલ પાસ કરાવ્યું : સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા ભારે ઉતાવળ કરવામાં આવી હોવાનું કહ્યું છે અને સરકારની ટીકા કરી છે .
કોંગ્રેસ સંસદીય દળની જનરલ બોડીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, ‘ વક્ફ સુધારા બિલ, 2024 લોકસભામાં પસાર થઈ ગયું હતું અને તે રાજ્યસભામાં રજૂ થયું છે . આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.’
સોનિયાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશને રસાતળ તરફ લઈ જઈ રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો બંધારણ માત્ર કાગળના ટુકડા સમાન બની જશે. આમનો ઈરાદો જ બંધારણને ધ્વસ્ત કરવાનો છે. ભાજપે બુલડોઝરથી બિલ પસાર કરાવ્યું છે. આ બિલ બંધારણ પર હુમલો છે અને આનાથી સમાજમાં સ્થાઈ ધ્રુવીકરણ વધશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘વિપક્ષી સાંસદોને પોતાની વાત કહેવાનો અવસર નથી મળી રહ્યો જે લોકશાહી માટે ચિંતાનો વિષય છેઃ. રાજ્યસભામાં વિપક્ષ નેતા ખડગેને પણ પોતાની વાત કહેવાનો અધિકાર નથી. સત્તા પક્ષના સાંસદોના કારણે જ ગૃહની કાર્યવાહી થઈ શકતી નથી, જે ચોંકાવનારું છે.