રાજકોટમાં સરકારી કર્મી પણ છેતરાયા! સરકારી યોજના હેઠળ લેપટોપ અપાવી દેવાના નામે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સાથે છેતરપિંડી
રાજકોટમાં અવનવા કીમિયા અખત્યાર કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય ત્યારે આવી જ એક છેતરપિંડી બહુમાળી ભવન ખાતે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતાં સરકારી કર્મચારી સાથે થવા પામી હતી. શખસે સરકારી યોજના હેઠળ લેપટોપ અપાવી દેવાના નામે સરકારી કર્મચારી સાથે જ છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અંગે નિખિલ સોમાભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે તેમના ગીર-સોમનાથ જિલ્લાના દુધાળા ગામે રહેતા ડાયાભાઈ પરમારની પુત્રી રાજકોટમાં અભ્યાસ કરતી હોય મફતમાં લેપટોપ સહાય યોજના હોય તો જણાવવા કહ્યું હતું. જો કે એવી કોઈ યોજના અમલમાં ન હોવાનો જવાબ નિખિલે આપ્યો હતો. ત્યારબાદ ડાયાભાઈ પરમારે નિખલીને કહ્યું હતું કે જયસુખ સરવૈયા નામનો વ્યક્તિ કે જે સરકારના કૌશલ્ય સ્કીલ ડેવલપમેન્ટ વિભાગમાં એજ્યુકેશન નોડલ ઓફિસર તરીકે નોકરી કરે છે અને તે પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભ અપાવતો હોવાનું કહેતા તેની સાથે વાત કરી હતી.
દરમિયાન જયસુખ સરવૈયાએ નિખીલને ફોન કરી ચાર વિદ્યાર્થીઓના લેપટોપ યોજના માટે નામ આપવા જણાવતા નિખિલે ચાર વિદ્યાર્થિનીના નામ આપ્યા હતા અને આઠ હજાર રૂપિયા જયસુખને મોકલ્યા હતા. આ પછી જયસુખે વધુ ચાર હજાર માંગતા તે પણ આપ્યા હતા. આટલા પૈસા લીધા બાદ સરકારી કર્મચારી હોવાના નાતે નિખિલને પણ 15,000માં લેપટોપ મળશે તેવું કહેતા વધુ 15,000 રૂપિયા નિખિલને આપ્યા હતા. એકંદરે નિખિલે જયસુખને કુલ 36,000 રૂપિયા આપ્યા હતા પરંતુ લેપટોપ ન મળતા આખરે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
