અલવિદા ભારતના ‘રતન’ ને… દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન : મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દેશ અને વિદેશમાં પ્રખ્યાત ટોચના ઉદ્યોગપતિઓમાના એક એવા દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે દુઃખદ નિધન થયું હતું. મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમણે અંતિમ શ્વાસ લીધા હતા. એમના નિધનથી દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. એમની વય ૮૬ વર્ષની હતી. હોસ્પિટલમાં એમની તબિયત વધુ લથડી હતી અને આઈસીયુમાં એમની સારવાર ચાલતી હતી પરંતુ રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને રતન ટાટાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા ૧૯૯૧માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ ૨૦૧૨ સુધી આ પદ પર રહ્યા હતા.
તેમણે ૧૯૯૬માં ટાટા સર્વિસિસ અને ૨૦૦૪માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી હતી. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનીત રતન ટાટા, તેમના નમ્ર વર્તન માટે જાણીતા, હાલમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તેમજ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. રતન ટાટાએ ભારતીય વ્યાપાર જગતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (૨૦૦૮) અને પદ્મ ભૂષણ (૨૦૦૦) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.