કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી જનારા ભાવિકો માટે સારા સમાચાર…હેલિકોપ્ટર સેવાઓ સસ્તી થશે
કેદારનાથ, વૈષ્ણોદેવી,બદ્રિનાથ યાત્રા પર જનાર ભાવિકો માટે સારા સમાચાર આવ્યા છે. GST કાઉન્સિલે ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓ પરનો ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. આ નિર્ણયથી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને રાહત મળશે અને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. આ એક મોટું પગલું છે. તે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઉભું કરવામાં આવ્યું છે.
ભારતમાં પ્રવાસને વેગ આપવાના અનેક પ્રયાસ સરકાર દ્વારા પણ કરવામાં આવતા હોય છે ત્યારે આજે GST કાઉન્સિલે ધાર્મિક યાત્રાધામો માટે હેલિકોપ્ટર સેવાઓના સંચાલન પરનો ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે સોમવારે આ માહિતી આપી હતી.
અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘કેદારનાથ, બદ્રીનાથ જેવા ધાર્મિક તીર્થસ્થાનો પર શ્રદ્ધાળુઓને લઈ જતી હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. અગાઉ આ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. હવે સ્પષ્ટતા થશે.
GST સંબંધિત બાબતોમાં સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા જીએસટી અંગેનો મુદ્દો જીએસટી પરિષદે આગામી બેઠક પર મુલતવી રાખ્યો છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે કાઉન્સિલે બિલડેસ્ક અને CCAvenue જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ (PAs) પર 18 ટકા GST લાદવાનો મુદ્દો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. 2,000 સુધીના નાના ડિજિટલ વ્યવહારો માટે ટેક્સ ભલામણ સમિતિને મોકલ્યો છે. હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સને 2,000 રૂપિયાથી ઓછી રકમના વ્યવહારો પર GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.