રશિયા ફરવા જવાનું સપનું જોતાં ભારતીયો માટે ખુશખબર !! વર્ષ 2025થી કરી શકશો વિઝા ફ્રી મુસાફરી
ભારતીય પ્રવાસીઓ માર્ચ-2025 પછી વિઝા વિના રશિયા જઈ શકશે. રશિયામાં ભારતીય મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એકલા મોસ્કોએ 28,500 ભારતીય પ્રવાસીઓનું સ્વાગત કર્યું, જે 2023ની સરખામણીમાં 1.5 ગણું વધારે કહેવાય.
રોગચાળા પછી ભારતનો મધ્યમ વર્ગ દેશ દેશાવર ફરી રહ્યો છે. ઘણા દેશો ભારતને વૈશ્વિક પ્રવાસન માટેનું મુખ્ય બજાર ગણે છે. વધુ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે, દેશો વિઝા-મુક્ત અથવા સરળ વિઝા નીતિઓ ઓફર કરીને પ્રવેશ પ્રતિબંધોને હળવા કરી રહ્યા છે
વિઝા-મુક્ત મુસાફરી ટુરીઝમને વેગ આપે છે કારણ કે તેના લીધે વિઝા એપ્લીકેશનની લાંબી પ્રોસેસમાંથી છુટકારો મળે છે. વિઝા-ફી પણ આપવી પડતી નથી. આ દેશોમાં પ્રવેશવા માટે પ્રવાસીઓને માત્ર માન્ય પાસપોર્ટની જરૂર હોય છે.

જૂન 2024માં વિઝા નિયમોને સરળ બનાવવા અને ગ્રુપ ટુરીઝમને પ્રોત્સાહિત કરવા માટે ભારત અને રશિયા વચ્ચે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં, ભારતીય પ્રવાસીઓને તેમના હેતુ જેમ કે પ્રવાસન, વ્યવસાય અથવા અભ્યાસ માટે રશિયાની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર પડે છે. જો કે, ઓગસ્ટ 2023 માં એકીકૃત ઇ-વિઝા (UEV) રજૂ કરવામાં આવ્યું હતું, જે ફક્ત ચાર દિવસની અંદર પ્રોસેસ થઇ ગયેલી એપ્લીકેશન સાથે વિઝા આપી દે છે. એકલા જાન્યુઆરી 2024માં, રશિયાએ ભારતીય પ્રવાસીઓને 1,700 ઈ-વિઝા જારી કર્યા. મુલાકાતીઓની સંખ્યામાં વધારો બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે.
1 ઓક્ટોબર, 2024 થી, શ્રીલંકાએ પણ ભારતીય નાગરિકોને છ મહિનાના સમયગાળા માટે વિઝા-મુક્ત પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય શ્રીલંકાના અદભૂત લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જોવા માટે વધુ ભારતીય પ્રવાસીઓને આકર્ષવાનો છે. શ્રીલંકાના પ્રવાસન મંત્રી હરિન ફર્નાન્ડોના જણાવ્યા અનુસાર, આ નીતિ પર્યટનને પ્રોત્સાહન આપવા અને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
જેમ જેમ વધુ દેશો વિઝા-મુક્ત અથવા સરળ પ્રવેશ નીતિઓ રજૂ કરી રહ્યા છે, તેમ તેમ ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સુલભ બની રહી છે. આ વલણ માત્ર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવતું નથી પરંતુ ભારત અને વિશ્વ વચ્ચેના રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોને પણ મજબૂત બનાવે છે. તેથી, જો તમે રશિયાના ઈતિહાસ અથવા શ્રીલંકાના દરિયાકિનારે મહાલવાનું સપનું જોતા હો તો પ્રોસેસ બહુ કંટાળાજનક નથી.