ગોંડલ રાજકુમાર જાટનો સંદિગ્ધ મૃત્યુ કેસ ખૂલ્યો : હાઇકોર્ટે SP ડેલુને સોંપી તપાસ, સમગ્ર ઘટનાની એકડેએકથી તપાસ આરંભાશે
ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર રતનલાલ ચૌધરી જાટ નામના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેની સાથેના ઈસમો દ્વારા માર માર્યા બાદ લાપત્તા રાજકુમાર જાટની ત્રણ દિવસ પછી રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સંદિગ્ધ ઘટનામાં હાઈકોર્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને ટીમ બનાવીને તપાસના આદેશ કર્યા છે. સાત માસથી વધુ સમયથી ચર્ચાસ્પદ બનેલા કેસમાં તપાસ ખૂલતા ચકચાર જાગી છે. ગોંડલમાં ત્રણેક દશકાથી વધુ સમયથી રહેતા અને ગોંડલ ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામે વ્યવસાય કરતાં રતનલાલ જાટનો એન્જિનિયર પુત્ર રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો. ગત તા.2 માર્ચના રોજ રાજકુમાર તથા તેના પિતા બન્ને બાઈક પર જઈ રહ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પાસે જ પિતા-પુત્ર ઝઘડી પડ્યા હતા. જેને ઘટનામાં પૂર્વ એમએલએ પુત્ર ગણેશે પિતા-પુત્રને ઘરમાં લઈ જઈ અન્ય ઈસમો સાથે મળીને મારકૂટ કરી હતી. ત્યારબાદ તા.3 માર્ચના મોડીરાત્રીના રાજકુમાર લાપત્તા બની ગયો હતો.
રાજકુમાર જાટ લાપત્તા બન્યા બાદ તા.3ના રોજ વહેલી સવારે ગોંડલ હાઈ-વે ભરૂડી ટોલનાકાથી કુવાડવા હાઈ-વે સુધી પગપાળા જતો સીસીટીવીમાં દેખાયો હતો. રસ્તામાં નગ્ન હાલતમાં ચાલીને જતો હતો અને કોઈકે કપડાં પણ આપ્યા હતા. પગપાળા કુવાડવા પાસેના રામધામ આશ્રમમાં રાત્રીના પ્રવેશ્યો હતો. ત્યાંથી તા.4ની વહેલી સવારે નીકળ્યો અને આશ્રમથી પગપાળા જતાં અર્ધો કિલોમીટર જેવા અંતરે જ બસની ઠોકરે મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો :ભાજપનો દરેક કાર્યકર્તા મારું ઘરેણું! દિગ્ગજ નેતાઓ,રાજકોટના લોકોના, ઉદ્યોગોના, ધરોહરના ભરપેટ વખાણ કરી ફુલડે વધાવતાં પ્રદેશ પ્રમુખ
જે તે સમયે રાજકુમારના પિતાએ પુત્ર ગૂમ થયાની અને ગણેશે માર માર્યાના અક્ષેપ સાથેની ગોંડલ પોલીસમાં ફરિયાદ આપી હતી. લાપત્તા રાજકુમારની લાશ અજાણ્યા યુવક તરીકે મળી હતી અને બે દિવસ બાદ ઓળખ મળી હતી. મૃત્યુ અંગે થયેલા આક્ષેપોમાં ગોંડલ તથા રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરાયા હતા અને બસની ઠોકરે મૃત્યુ થયાનું એ સમયે ખૂલ્યું હતું. કુવાડવા રોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ખાનગી ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :પ્રધાનમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ: મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબરે યોજાશે શપથવિધિ સમારોહ, જાણો કોણ પડતું મુકાઇ શકે-કોની થઈ શકે એન્ટ્રી?
પુત્રનું મૃત્યુ અકસ્માતથી નહીં હત્યા કરાઈ હોવાની આશંકા સાથે રાજકુમારના પિતાએ ગણેશ સહિતના સામે આક્ષેપો અને લેખિત અરજી આપી હતી. પોલીસ દ્વારા અકસ્માતથી જ મૃત્યુ થયાના પુરાવા અપાયા હતા. સંનિગ્ધ મૃત્યુની સમગ્ર ઘટના અંગે રાજકુમારના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં ધા નાખી સીબીઆઈની તપાસની માગણી કરી હતી. ચાર દિવસ પૂર્વે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ અને રજૂ થયેલા પૂરાવાઓ સહિતના મુદ્દાઓ ધ્યાને લઈને તપાસ સીબીઆઈને સોંપવા યોગ્ય ગણાવી હતી. સાથોસાથ રાજ્ય સરકારને રાજકોટ એસપી સિવાયના અન્ય ત્રણ એસપીને તપાસ સોંપવા માટે નામ આપવા કહ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટને પણ હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો હતો.
વધુ સુનાવણી આજે થતાં સરકાર પક્ષે વકીલ દ્વારા નામો અપાયા તેમજ ફરિયાદી પક્ષે અલગ-અલગ એસપી કક્ષાના અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, જામનગર એસપી ડો.રવિમોહન સૈની, ભાવનગર એસપી નીતિશ પાંડે, અજીત રાજીયાન, ઓમપ્રકાશ જાટના નામ સૂચિત કરાયા હતા જેમાં સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ પર બન્ને પક્ષે સર્વ સહમતી થઈ હતી. હાઈકોર્ટ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા હુકમ કરાયો હતો. એસપી ડેલુ સાથે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિત તેમજ અન્ય સ્ટાફ સાથેની ટીમ જોડાશે. નિષ્પક્ષ કડક અધિકારીની છાપ ધરાવતા ડેલુના વડપણ હેઠળ હવે ઘટના બની ત્યારથી રાજકુમારનું મૃત્યુ થયું ત્યાં સુધી તપાસ તા.2 માર્ચથી 15 માર્ચ સુધીની તપાસ નવેસરથી થશે.
ગોંડલ તથા રાજકોટ પોલીસ પાસેથી તપાસના દસ્તાવેજી કાગળો મંગાવાયા
ગોંડલ રહેતા રાજકુમાર જાટને ગણેશ સહિતના દ્વારા માર મરાયો, બાદમાં રાજકુમાર લાપત્તા બન્યો હતો. તેના પિતાએ ફરિયાદ આપી હતી. તે તપાસ ગોંડલ પોલીસે જે તે સમયે ચલાવી હતી. જ્યારે રાજકુમાર ગોંડલથી 54 કિલોમીટરના અંતરે પહોંચ્યો અને કુવાડવા પાસેથી તેની લાશ મળી હતી જે લાશમાં આરંભે એ.ડી. નોંધાઈ, ત્યારબાદ તપાસમાં રાજકુમારને બસની ઠોકર લાગી અને મૃત્યુ થયું હતું. તે સીસીટીવીમાં દેખાતા સીસીટીવી આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બસ ચાલકની ધરપકડ કરી હતી. જે તે સમયે થયેલી અરજી, અકસ્માતની ફરિયાદ સહિતની તમામ તપાસના દસ્તાવેજી પુરાવાઓ, કાગળો, નવી સ્વતંત્ર તપાસની ટીમ હસ્તગત કરીને નવેસરથી તપાસ આગળ ધપાવશે.
સરકાર તથા ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ મુદ્દાઓ રજૂ કરાયા હતા
ફરિયાદી પક્ષે એડવોકેટે એવું જણાવ્યું હતું કે, હત્યા કરાયા બાદ અકસ્માતમાં મોતની સ્ટોરી ઉભી કરાઈ હોઈ શકે. અકસ્માત સ્થળ નજીક તેમજ રસ્તામાં કેટલાક શંકાસ્પદ વાહન, વ્યક્તિ હતા. અકસ્માતની ઘટના બતાવાઈ પરંતુ પોસ્ટમોર્ટમમાં શરીરના ભાગે ઈજાના 42 નિશાન મળ્યા છે. કોર્ટ દ્વારા પણ જે વાહનમાં અકસ્માત થયો હતો તેનો એફએસએલ રિપોર્ટ ક્યાં તેવો સવાલ સરકાર પક્ષને કરાયો હતો. સરકાર પક્ષે વકીલે પણ પોલીસ તપાસમાં કપડાં આપનાર વ્યક્તિનું નિવેદન લેવાયું, બસ ડ્રાઈવરે અકસ્માત બાદ ડ્રાઈવરે એક વ્યક્તિને ફોન પણ કર્યો હતો. વોઈસ સ્પેકટ્રોગ્રાફી રિપોર્ટ માટે એફએસએલમાં મોકલાયો હતો. સહિતના મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. બન્ને પક્ષેની રજૂઆત, દલીલો અંતે એસપી ડેલુને તપાસનો હુકમ કરાયો હતો.
