ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
વૈશ્વિક બજારમાં મજબૂત સંકેતો અને ભારે રોકાણકારોની ખરીદીના કારણે સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે. ભારતીય વાયદા બજાર (MCX)માં મંગળવારે સોનાનો ભાવ પ્રથમ વખત પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખને પાર ગયો, જ્યારે ચાંદી પણ ₹3.28 લાખની આસપાસ પહોંચી સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો છે.
આ અદ્વિતીય તેજીને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જોકે સામાન્ય ગ્રાહકો માટે સોનું-ચાંદી વધુ મોંઘું બન્યું છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરની અસ્થિરતા અને સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓ તરફ વધેલી માંગે ભાવોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે.
રાજકોટની સોની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,000 અને ચાંદીનો ભાવ 3,34,400 રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલી તેજી, ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને મધ્ય પૂર્વ સહિતના વિસ્તારોમાં વધતી ભૂ-રાજકીય અનિશ્ચિતતા આ તેજીના મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ફરી એકવાર સોના-ચાંદી તરફ વળ્યા છે.ચાંદીના ભાવમાં પણ સટ્ટાબજાર અને ઔદ્યોગિક માંગના સંયુક્ત અસરથી મોટો ઉછાળો નોંધાયો છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં વધતી માંગે ચાંદીના ભાવને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. પરિણામે ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપથી વધારો થયો છે.
આ પણ વાંચો :રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં તણાવ યથાવત રહેશે અને વ્યાજદરો અંગે અનિશ્ચિતતા ચાલુ રહેશે, તો સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા સાથે વધુ ઉછાળો પણ શક્ય છે. જોકે ઊંચા ભાવને કારણે ટૂંકા ગાળામાં નફાવસૂલીઓ જોવા મળવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
ગત એક વર્ષમાં સોના અને ચાંદીએ રોકાણકારોને બેમિસાલ વળતર આપ્યું છે. કિંમતી ધાતુઓએ ઐતિહાસિક સપાટીઓ સર કરતા રોકાણકારોની કમાણીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. એક વર્ષના ગાળામાં ચાંદીએ લગભગ ચાર ગણી કમાણી કરાવી છે, જ્યારે સોનામાં રોકાણ કરનારાને લગભગ 100 ટકા નફો થયો છે.આંકડાઓ પર નજર કરીએ તો 1 જાન્યુઆરી, 2025ના રોજ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹76,308 હતો. વર્ષના અંતે એટલે કે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આ ભાવ વધીને ₹1,32,640 સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત વર્ષ 2026ની શરૂઆતના માત્ર 20 દિવસમાં જ સોનાના ભાવમાં વધુ ₹20,000નો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સોનાએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.ચાંદીના ભાવમાં તો વધુ તેજી જોવા મળી છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹85,913 હતો, જે 167 ટકા વધારા સાથે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ₹2,29,452 પર પહોંચી ગયો હતો. વર્ષ 2026ની શરૂઆતમાં માત્ર 20 દિવસમાં જ ચાંદીના ભાવમાં દોઢો ઉછાળો આવ્યો છે અને ભાવ સીધો ₹3.33 લાખની નજીક પહોંચી ગયો છે.
1 વર્ષમાં કેટલી કમાણી?
સોનું: ₹76,308 → ₹1.50 લાખથી વધુ (લગભગ 100% નફો)
ચાંદી: ₹85,913 → ₹3.33 લાખ (લગભગ 4 ગણી કમાણી)
