વર્ષ-2025માં સોનામાં 60,000, ચાંદીમાં 1.10 લાખનો ઉછાળો
1.37 લાખ સાથે ગોલ્ડ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું
ઐતિહાસિક તેજી બાદ ચાંદીમાં નરમાઇ, 4000ના ઘટાડા
સાથે 2,00,000 ભાવઃ ઇન્વેસ્ટરો માટે બંને ધાતુ કિંમતી રહી
વર્ષ 2025 સોનાં અને ચાંદીના બજાર માટે ઐતિહાસિક સાબિત થઈ રહ્યું છે. વર્ષ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ અંદાજે 60,000નો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1,10,000 સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરની હલચલ, રાજકીય તણાવ અને રોકાણકારોની સુરક્ષિત રોકાણ તરફની દોડને કારણે િંકમતી ધાતુઓમાં ભારે તેજી આવી છે.
નવા સપ્તાહની શરૂઆત સાથે ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી છે. તાજેતરમાં ઐતિહાસિક ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ચાંદીનો ભાવ ઘટીને ફરીથી 2,00,000 પ્રતિ કિલોની આસપાસ આવી ગયો છે. બજાર નિષ્ણાતોના મતે, વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા સંકેતોને કારણે ચાંદીમાં આ સુધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સોનાએ ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે. તેજી સાથે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,37,623ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. બુલિયનનાં જાણકારોનાં મત મુજબ,નજીકના સમયમાં સોનાં-ચાંદીના ભાવમાં ઉથલપાથલ યથાવત રહી શકે છે.ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલરી એસો.ની સાઈટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,34 લાખ નોંધાયો છે.
