સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી! આ વરસે સોનામાં 60,000 અને ચાંદીમાં 1.27 લાખ વધ્યા, હજુ પણ ભાવ વધારાની સંભાવના
આંતરરાષ્ટ્રીય તેજીની અસર વચ્ચે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીએ રેકોર્ડ ભાવ ક્રોસ કર્યો છે. સોમવારે રાજકોટની માર્કેટમાં સોનુ 10 ગ્રામે 1.39 લાખ અને ચાંદી એક કિલોના 2.17 લાખ રૂપિયા પહોંચી ગયો છે. આ બંને ધાતુમાં સતત વધી રહેલા ભાવને લીધે રોકાણકારો અને જેમના ઘરમાં સોનુ-ચાંદી છે તેઓમાં ખુશી છવાઈ ગઈ છે.
માર્કેટના સુત્રો અનુસાર, સોનુ-ચાંદી હજુ આવનારા દિવસોમાં તેજીની નવી ટોચ દેખાડશે. તાજેતરમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સુત્રોએ 2025 અને 2026માં સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવશે.
રાજકોટની સ્થાનિક માર્કેટની હલચલ જોઈએ તો સોમવારે સોનાના ભાવોમાં ફરી એક વખત નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.સોનાને પાછળ રાખી ચાંદી કિલોએ 2.18 લાખ અને પીળી ધાતુ 10 ગ્રામએ 1.39 લાખ સાથે ટોચની સપાટીએ પહોંચી છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવ ટોચની સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તેજી સોમવારે વધુ તીવ્ર બની છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ચર્ચા વધી છે.બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરમાં નબળાઈ અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વધતી માંગને કારણે ભાવોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ મજબૂત રહેતા તેની સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
સ્થાનિક સોનાચાંદી બજારમાં 24 કેરેટ તથા 22 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે,જ્યારે રોકાણકારો માટે સોનું ફરી એક વખત સુરક્ષિત વિકલ્પ તરીકે સામે આવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં પણ સોનાના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે.
આ વરસે સોનામાં 60,000 અને ચાંદીમાં 1.27 લાખ વધ્યા!
રાજકોટઃ વર્ષ 2025માં સોનુ અને ચાંદીએ લગાતાર તેજી પકડી છે.અત્યાર સુધીમાં એક વર્ષમાં સોનામાં 10 ગ્રામએ 60,000નો વધારો અને ચાંદીમાં 1,27 લાખ નો નોંધપાત્ર વધારો થયો છે.31 ડિસે.2024 એ 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 76,000 હતું જે હવે 22 ડિસે.એ 1,39 લાખ સુધી પહોંચી ગયું છે.ચાંદીમાં આ વર્ષે 133 ટકાનો વધારો નોંધાયો છે.ગત વર્ષે ડિસે.માં ચાંદીનો ભાવ 86,017 હતો જે હવે આજની તારીખે 2,17,000 પ્રતિ કિલો થયો છે.
