ગોવાના મંદિરોમાં દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે
- ઘણા ભાવિકોની વસ્ત્રોના કારણે મંદિરોની ગરિમા જળવાતી નથી
- દર્શનાર્થીઓએ ટૂંકા વસ્ત્રો પહેર્યા હશે તો લુંગી કે શાલ પહેરવા અપાશે
ગોવાના મંદિરોમાં 1 જાન્યુઆરી, 2024થી દર્શનાર્થીઓ માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે. મંદિરોના મેનેજમેન્ટનું કહેવું છે કે મંદિર એ તમારી ફેશન દેખાડવા માટેની જગ્યા નથી. અહીં ઘણા ભાવિકો મોડર્ન વસ્ત્રો પહેરીને આવે છે જેમાં ગરિમા જળવાતી નથી. તેથી આવા વસ્ત્રો સાથે કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
ગોવાના શ્રી રામનાથ દેવસ્થાન, પોંડાએ જણાવ્યું છે કે મંદિરની પવિત્રતા અને સન્માન જળવાય તે માટે 1 જાન્યુઆરીથી તમામ વિઝિટર માટે ચુસ્ત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. તેથી શોર્ટ્સ, મિની સ્કર્ટ, મિડી, સ્લીવલેસ ટોપ્સ, લો-રાઈઝ જિન્સ અને ટૂંકા ટી-શર્ટ પહેરીને લોકોને મંદિરમાં પ્રવેશવા નહીં દેવાય. ગોવા એ દેશનું વિખ્યાત ટુરિસ્ટ સ્પોટ છે અને ઘણા પ્રવાસીઓ ટૂંકા કપડા પહેરીને મંદિરોમાં દર્શન માટે આવતા હોય છે. ગોવાના જાણીતા શ્રી મંગેશ દેવસ્થાને પણ જાહેરાત કરી છે કે નવા વર્ષથી એકદમ ચુસ્ત ડ્રેસ કોડ લાગુ થશે. તેથી મંદિરોમાં છાજે તેવા વસ્ત્રો પહેરીને જ ભાવિકોએ દર્શન કરવા આવવું.
જે લોકો મંદિર માટે અયોગ્ય વસ્ત્રો પહેરીને આવ્યા હશે તેમને મંદિરની કમિટી દ્વારા લુંગી અથવા પહેરણ આપવામાં આવશે જેથી છાતી, પેટ અને પગ ઢંકાઈ શકે. તેથી જે શ્રદ્ધાળુઓ આટલે દૂર દર્શન માટે આવ્યા હશે તેમણે ધક્કો ખાવો નહીં પડે.
તેમણે કહ્યું કે પર્યટકોને શિક્ષિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ઘણી વખત પર્યટકો ઢંગ વગરના કપડાં પહેરીને આવે છે. મંદિરની પવિત્રતા જળવાય તે માટે જનરલ બોડીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે.
તેમણે કહ્યું કે મંદિરમાં 10 વર્ષથી ઓછી વયના બાળકોને આ ડ્રેસકોડમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ 10 વર્ષથી મોટી વયના બાળકો તથા પુખ્ત વયના લોકોએ ડ્રેસ કોડ પાળવો પડશે. તમે ટૂંકા વસ્ત્રો પહેરીને આવ્યા હશો તો પહેરણ અને લુંગી આપવામાં આવશે. તેને પહેરીને તમે મંદિરમાં દર્શન કરી શકશો.
શ્રી મંગેશ દેવસ્થાનના પ્રેસિડન્ટ અજિત કંટકે જણાવ્યું કે ઘણી મહિલાઓના વસ્ત્રો યોગ્ય ન હોવાના કારણે બીજા દર્શનાર્થીઓને વાંધો પડતો હતો. હવે અમે પર્યટકોને શાલ અથવા લુંગી આપીએ છીએ. મંદિર એ કોઈ ફેશન દેખાડવા માટેનું સ્થળ નથી. આ દર્શન કરવાની અને ધ્યાન કરવાની જગ્યા છે. તેથી ભારતીય પરંપરા મુજબના વસ્ત્રો પહેરીને જ પર્યટકોએ આવવું જોઈએ.