રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગોવાની ફ્લાઈટ એક મહિના માટે કેન્સલ: મુંબઇની ડેઈલી 7 ફ્લાઈટ ઉડાન ભરશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 1 મહિના માટે ગોવાની ફ્લાઈટની ઊડાન કેન્સલ કરવામાં આવી છે જ્યારે નવી મુંબઈ માટેની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આગામી તારીખ 29 માર્ચ થી 24 ઓક્ટોબર 2026 સુધીનું સમર શેડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈ માટેની 7 ફ્લાઈટ દિલ્હી માટેની 4, હૈદરાબાદ-બેંગ્લોર અને પુણે માટેની 1 ફ્લાઈટ ઉડાન ભરશે.
જેમાં ગોવા માટે રાજકોટ થી ઊડાન ભરતી ઈન્ડિગોની ફ્લાઈટને 1 મહિના માટે રદ કરાઈ છે આગામી મે મહિનાથી આ ફ્લાઈટ ફરીથી શરૂ થશે તેવું સૂત્રો એ જણાવ્યું હતું. આ ઉપરાંત ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા નવી મુંબઈ માટેની સવાર અને સાંજની 2 ફ્લાઈટ નવી શરૂ કરવામાં આવી છે જેના કારણે રાજકોટથી નવી મુંબઈની કનેક્ટિવિટી વધવાની સાથે નવી મુંબઈથી અન્ય શહેરો માટેનું કનેક્શન પેસેન્જર્સને મળી રહેશે.
નવું એરપોર્ટ બની ગયાના 3 વર્ષ બાદ પણ હજુ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટના કોઈ ઠેકાણા નથી. વેપારી સંગઠનો તેમજ વિવિધ એસોસિએશન અને રાજકીય આગેવાનોએ પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં નવા સમર શેડયુલ માં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. નવા ટાઈમ ટેબલ મુજબ દરરોજ રાજકોટ એરપોર્ટ થી 14 જેટલી ફ્લાઈટ ઉડાન ભરશે. જેમાં સૌથી વધારે મુંબઈ નવી મુંબઈ અને દિલ્હી માટેની ફલાઈટ વધુ મળી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તો સૌરાષ્ટ્રવાસીઓને મળી નથી પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ કનેક્શનમાં કોલકત્તા, ઇન્દોર, ઉદેપુર કે અન્ય કોઈ નવો સેક્ટર હજુ સુધી મળ્યું નથી.
