બદ્રીનાથ નજીક હિમશિલાઓ ગબડી : 57 શ્રમિકો દટાયા: 14નો બચાવ, 41 મજૂરો લાપતા ; મોટી જાનહાનિનો ભય
ઉતરાખંડમાં બદ્રીનાથ મંદિરથી પાંચ કિલોમિટર દૂર 3200 મીટરની ઊંચાઈ પર આવેલા માણા નામના ગામ નજીક થયેલા હિમપ્રપાતમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના શ્રમિકોના ટેન્ટ દટાઈ જતા 57 શ્રમિકો બરફની વજનદાર શિલાઓ હેઠળ ફસાઈ ગયા હતા.તેમાંથી 16 શ્રમિકોને ઉગારી લઈ નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ફસાયેલા બાકીના 41 શ્રમિકોને બચાવવાની કામગીરીમાં સતત થતી બરફ વર્ષા તેમ
જ રસ્તાઓ બંધ થઈ જવાને કારણે વિઘ્ન સર્જાતાં એ શ્રમિકોની નિયતિ અંગે ચિંતાનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર તિબેટ સરહદ પરના ભારતના આ છેલ્લા ગામડા નજીક એ શ્રમિકો આર્મીના પરિવહન માટે રસ્તાઓ પરથી બરફ દૂર કરવાની ફરજ બજાવતા હતા. દરમિયાનમાં પર્વત ઉપર ભયંકર વરસાદ શરૂ થયા બાદ સવારે ગ્લેશિયર તૂટી પડતા બરફની ચટ્ટાનો ખાબકવા લાગી હતી અને તેમાં આ શ્રમિકોના ટેન્ટ પણ દટાઈ ગયા હતા.ઘટના બની ત્યારે પણ એ પૈકીના કેટલાક શ્રમિકો રસ્તો સાફ કરવાની કામગીરી બજાવતા હતા તેમ જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતા ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચિંતાની લાગણી વ્યક્ત કરી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી.દરમિયાન બંધ થઈ ગયેલા લાંબાગાડ માર્ગ ઉપરની અડચણો હટાવવા આર્મીની મદદ માંગવામાં આવી હતી. સહસ્ત્રધારા હેલિપેડ ખાતે એક ટીમને એલર્ટ પર મુકવામાં આવી હતી.હવામાન સુધર્યા બાદ ઘટના સ્થળની નજીકમાં નજીકના વિસ્તાર પર એસડીઆરએફ ની હાઈ એટિટ્યુડ રેસ્ક્યુ ટીમને હેલિકોપ્ટર દ્વારા ઉતારવાના આવશે તેમ જણાવી મુખ્ય મંત્રી ધામીએ ફસાયેલા શ્રમિકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.
ખરાબ હવામાનને કારણે આર્મીના હેલિકોપ્ટર ઉડાન ન ભરી શક્યા
બનાવની જાણ થતા જોષીમઠથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ને ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી.ચાર મ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી હતી પણ રસ્તાઓ બંધ થઈ જતા તે અધવચ્ચે અટવાઈ ગઈ હતી.ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર 60 થી 65 લોકોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે પણ અવિરત વરસાદ, ખરાબ હવામાન તથા
હિમશિલાઓ ગબડવાને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે આર્મીના હેલિકોપ્ટરો પણ ઉડાન ભરી શક્યા નહોતા.બનાવ બાદ બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગવામાં આવી હતી.બીજી તરફ હાડ થીજવી દે તેવી ઠંડી અને તોફાની બરફ વર્ષા વચ્ચે તોતિંગ હિમશિલાઓ નીચે ફસાયેલા શ્રમિકો સુધી બચાવ ટુકડીઓ પહોંચી ન શકતા સ્થિતિ વધુ ગંભીર બની છે.
