યુવતીની રીલ્સ બનાવવાની ઘેલછા જીવલેણ સાબિત થઈ : 300 ફુટ ઊંડી ખીણમાં પડતાં મુંબઈની ઈન્ફ્લુએન્સરનું મોત
હાલ લોકોમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં વધારો થતો જાય છે. જીવના જોખમે પણ લોકો રીલ્સ બનાવે છે પરંતુ અમુક વાર તે ક્ષણ લોકો માટે છેલ્લી ક્ષણ બની જાય છે ત્યારે આવી જ એક ઘટના મુંબઈમાં પ્રકાશમાં આવી છે, જેમાં 27 વર્ષીય ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સરે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત થયો ત્યારે યુવતી રીલ બનાવી રહી હતી. જે બાદ તેણી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. રીલ બનાવવાની કળાએ મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનવી કામદારને નામના કમાવામાં તો મદદ કરી હતી, પરંતુ આખરે તે જીવલેણ પણ સાબિત થઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના માનગાંવ તાલુકાના કુંભે વોટરફોલ પર બની હતી. અવની કામદાર 16 જુલાઈએ પોતાના 7 મિત્રો સાથે કુંભે ધોધ ફરવા ગઈ હતી.કુંભ વોટરફોલ એક પ્રાકૃતિક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પિકનિક માટે આવે છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને પ્રખ્યાત ઈન્ફ્લુઅન્સર અનવી કામદારના સોશિયલ મીડિયા પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.

અન્વી કુંભે ધોધ પર પહોંચી અને રીલ બનાવવા લાગી. આ દરમિયાન તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. જેના કારણે અન્વીનું દુઃખદ મૃત્યુ થયું હતું. તેની સાથે આવેલા અન્વીના મિત્રોએ તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ માનગાંવ અને કોલાડ વિસ્તારની ઘણી બચાવ ટુકડીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કુંભે ધોધ પહોંચ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘણી મહેનત બાદ રેસ્ક્યુ ટીમે અન્વીના મૃતદેહને ઉંડી ખીણમાંથી બહાર કાઢી હતી. અધિકારીઓએ યુવાનોને વિનંતી કરી કે પ્રકૃતિનો આનંદ માણો પરંતુ રીલ બનાવવાના નામે પોતાનો જીવ જોખમમાં નાખવો. પોલીસ ઈન્સ્પેક્ટર મંગાંવ નિવૃત્તિ બોરાડેએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ખરેખર, 27 વર્ષની અન્વી તેના પેજ પર ટ્રાવેલ સંબંધિત ફોટો-રીલ્સ શેર કરતી હતી. માનગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અનવી મુંબઈના મુલુંડની રહેવાસી હતી. તે વરસાદમાં તેના મિત્રો સાથે ધોધ પર પહોંચી હતી. આજુબાજુના સુંદર દૃશ્યને વીડિયોમાં કેપ્ચર કરતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ઊંડી ખાઈમાં પડી ગઈ.