ઘીના ઠામમાં ઘી પડ્યું! દેવાયત ખવડ અને અમદાવાદના પરિવાર વચ્ચે થયુ સમાધાન,બન્ને પક્ષે 10 માસ બાદ સુલેહ કરી મોં મીઠા કરાવાયા
સૌરાષ્ટ્રના વતની લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના સનાથલના ચૌહાણ પરિવાર વચ્ચે ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે. બન્ને પક્ષે સમાધાન થયું છે અને સામસામા મોં મીઠા કરાવી દેવાતા અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
અમદાવાદ સનાથલના ચૌહાણ પરિવાર દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં ખવડ સમયસર ન પહોંચતા વિવાદ થયો હતો. જે તે સમયે ખવડ અને ભગવતસિંહ ચૌહાણ દ્વારા સામસામી ફરિયાદો નોંધાવાઈ હતી. ખવડની કારમાં તોડફોડ થઈ હતી.
બન્ને વચ્ચે ચાલતા ડખ્ખાને લઈને સનાથલના ચૌહાણ પરિવારના ધ્રુવરાજસિંહ ચૌહાણ તાલાલાના ચિત્રાવડમાં તેની કિયા કાર લઈને આવ્યા હતા ત્યારે દેવાયત ખવડ અને તેની સાથેના ઈસમોએ ધ્રુવરાજસિંહની કાર સાથે કાર અથડાવીને હુમલો કર્યો હતો. જે બનાવમાં દેવાયત અને અન્ય ઈસમોની સામે ગુનો નોંધાયો હતો, ધરપકડ થઈ હતી. જેલમાં પણ જવું પડ્યું હતું.
બન્ને વચ્ચે ચાલતી માથાકૂટનો હવે સુખદ અંત આવ્યો છે. અમદાવાદના ચૌહાણ પરિવાર સાથે દેવાયત ખવડને સમાધાન થયું છે. સામસામે મીઠાઈઓ ખવડાવીને જૂના મનદુઃખને તિલાંજલિ અપાઈ હતી.
