સુધરી જજો નહીંતર હવે વાત ‘ઘર’ ઉપર આવશે !! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જામ્યો આરોપીઓનો ‘મેળો’
જો હવે ગુનો કરતાં પકડાશે તો ગુજસીટોક, પાસા હેઠળ કાર્યવાહી થશે જ સાથે સાથે ગેરકાયદે જગ્યામાં ઘર બનાવેલું હશે તો તેને પણ તોડી પડાશેપાસા' હેઠળ સજા ભોગવી ચૂકેલા ૮૨ લોકોને પોલીસનું અલ્ટીમેટમ વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં ગુનાખોરીએ માજા મુકી છે અને દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં લુખ્ખાઓ-ટપોરીઓ છરી-ધારીયા-ધોકા સહિતના હથિયારો સાથે આતંક મચાવતાં જોવા મળ્યા વગર રહેતાં નથી. વળી, થર્ટી ફર્સ્ટ આવી રહી છે એટલા માટે નવા વર્ષથી ગુનાખોરી કાબૂમાં આવે તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ કમર કસવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચની જામનગર રોડ ઉપર આવેલી કચેરીએ
પાસા’ હેઠળ સજા ભોગવી ચૂકેલા ૮૨ લોકોને એકઠા કરીને તેમને કડક ભાષામાં ચેતવણી આપવામાં આવી હતી કે સુધરી જજો નહીંતર હવે વાત તમારા ઘર ઉપર આવ્યા વગર રહેશે નહીં !
ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા `પાસા’ કાપી ચૂકેલા ૮૨ શખ્સોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે એક જ વખત ચેતવણી આપવામાં આવશે આમ છતાં જો સુધરશો નહીં અને ગુનો કરશો તો કોઈની સાડીબાર રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી જેવીતેવી નહીં બલ્કે ક્યારેય ભૂલાય નહીં તેવી હશે ! ખાસ કરીને હવે જો ગુનો કરતા પકડાશો તો ગુજસીટોક, પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે રહેઠાણ પણ ચેક કરવામાં આવશે અને જો તે ગેરકાયદેસર હશે તો તેના ઉપર બૂલડોઝર ફેરવતાં જરા પણ વાર નહીં લાગે એટલા માટે ગુનો કરતા પહેલાં પરિવારનો પણ વિચાર કરી લેજો.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુનાખોરીની દુનિયામાંથી બહાર આવી જઈને કોઈ બીજું કામ શોધી લેજો અન્યથા તમારું ભવિષ્ય તો બગડશે જ સાથે સાથે બાળકો અને પરિવારજનો પણ હેરાન થઈ જશે. આ ઓળખ પરેડ વખતે ડીસીપી જગદીશ બાંગરવા ઉપરાંત એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, પીસીબી (ઈન્ચાર્જ)-ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, ડીસીબી પીઆઈ મનોજ ડામોર, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, ડીસીબી પીઆઈ સી.એચ.જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.