ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો : હવે SEBI પણ અમેરિકા લાંચ કેસ મામલે તપાસ કરશે
અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીની તકલીફો વધી રહી છે. અમેરિકી કોર્ટમાં આરોપ દાખલ થયા બાદ હવે આ ગ્રુપ ભારતમાં પણ વિવાદોમાં આવી ગયું છે. શનિવારે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે હવે આ મામલાની તપાસ સેબી પણ કરી શકે છે.
એવી માહિતી બહાર આવી હતી કે સેબી પોતાના એંગલથી આ સમગ્ર બાબતની ઊંડી તપાસ કરે તેવી શક્યતા છે. સેબી એ વાતની તપાસ કરી શકે છે કે અદાણી જુથ દ્વારા બજારમાં થનારી ગતિવિધિની જાણકારી આપવાના જરૂરી નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં.
જો કે અદાણી જુથ દ્વારા તો બધા જ આરોપોને નકારવામાં આવ્યા છે અને તેમાં કોઈ દમ નથી તેવી ચોખવટ કરાઇ છે પણ અદાણી જુથ માટે આગામી દિવસો આક્રમક તપાસના સામના માટે મહત્વના બને તેવું લાગે છે.
અધિકારીઓને સવાલ
એવી વાત પણ બહાર આવી છે કે સેબી દ્વારા સ્ટોક એક્સ્ચેન્જના અધિકારીઓને અદાણીના નવા મામલા અંગે કેટલાક સવાલ કરાયા છે. લાંચ આપવા અંગેના કેસમાં અમેરિકી ન્યાય વિભાગની તપાસનો અદાણી જુથ દ્વારા વ્યવસ્થિત રીતે ખુલાસો કરાયો છે કે નહીં ? શું અદાણી જુથ આમ કરવામાં નિષ્ફળ રહ્યું છે ?
અદાણી જુથ દ્વારા બધી જ ઉચિત જાણકારી આપવામાં આવી છે કે નહીં તે બારામાં પણ સેબી દ્વારા અધિકારીઓને સવાલ કરાયા છે. અદાણી જુથ દ્વારા કઈ છુપાવવાનો પ્રયાસ થયો છે કે નહીં ? આ બધા સવાલોના જવાબ સેબી માંગી રહી છે અને ટુંક સમયમાં જ સેબી તપાસના ચક્રો ગતિમાન કરે તેવી સંભાવના છે.