ગૌતમ અદાણીની બોમ્બાર્ડિયરના ચીફ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ઉડ્ડયન સેવાઓ અને ડિફેન્સ સેક્ટર અંગે ચર્ચા, ‘આત્મનિર્ભર ભારત’ માટે સિનર્જી
અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી અને બોમ્બાર્ડિયર ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એરિક માર્ટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ હતી. મંગળવારે થયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને વધારવાના હેતુથી ટ્રાન્સફોર્મેંટીવ પાર્ટનરશીપ અંતર્ગત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેમાં ડિફેન્સ સેક્ટર, ઉડ્ડયન સેવાઓ, તેની જાળવણી, સમારકામ સહિતના વિષયો અંગે ચર્ચા થઈ હતી. ગૌતમ અદાણીએ એરિક માર્ટેલના સાથેની મુલાકાત વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ પરની પોસ્ટમાં એરીક માર્ટેલ સાથે થયેલી ચર્ચાઓ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ” એક સાથે મળીને અમે મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ..”
ગૌતમ અદાણીએ આ પડકારોને ધ્યાને લઈ મજબૂત સ્થાનિક MRO ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. કંપનીની વેબસાઈટ અનુસાર, તે વૈશ્વિક સ્તરે અત્યાધુનિક સંરક્ષણ, એરોસ્પેસ અને સુરક્ષા ઉકેલો લાગુ કરીને ભારતની સૈન્ય ક્ષમતાઓ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રે જાણીતી કંપની બોમ્બાર્ડિયર એરક્રાફ્ટ ડિઝાઇન અને ઉત્પાદનમાં વિશેષ કુશળતા ધરાવે છે. ‘ચેલેન્જર’ અને ‘ગ્લોબલ’ એરક્રાફ્ટ માટે જાણીતી બોમ્બાર્ડિયરે નવીનતા અને વિશ્વસનીયતા માટે આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ નાગરિક અને લશ્કરી કામગીરીમાં વ્યાપકપણે થાય છે. કંપની પાસે વિશેષ-મિશન ભૂમિકાઓ માટે ઉકેલો વિકસાવવાનો અનુભવ પણ છે.