45 લાખના ગેસની ચોરી! રાજકોટના શાપર-વેરાવળમાં આવેલા ઈથર કોર્પોરેશનમાં કારખાનેદારે કરેલી કરામત,જાણો શું છે મામલો
રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળ ખાતે આવેલા ઈથર કોર્પોરેશન દ્વારા એક વર્ષની અંદર 45 લાખના ગેસની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતાં ઉદ્યોગક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે ગુજરાત ગેસ લિમિટેડ કંપનીના ડેપ્યુટી મેનેજર મુકેશભાઈ દુલાભાઈ બલદાણીયા (રહે.સોપાન હાઈટસ રાજકોટ)એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની કંપની દ્વારા રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે 566 ગ્રાહકોને ગેસ વપરાશ માટે કનેક્શન આપવામાં આવ્યું છે. આ કનેક્શનમાં કોઈ ગેરરીતિ કરવામાં આવી રહી છે કે કેમ તેની તપાસ કરવા માટે ટીમ વારંવાર અલગ-અલગ કારખાનામાં સરપ્રાઈઝ ચેકિંગ કરતી હોય છે.
દરમિયાન ગત 21-11-2025ના બારેક વાગ્યે ફરિયાદી મુકેશભાઈ તેમજ ટીમમાં સચિનભાઈ રાઠોડ અને પ્રકાશભાઈ સોલંકી, દિલીપભાઈ પરમાર સહિતના શાપર વેરાવળમાં મસ્કત પોલીમર્સ રોડ પર આવેલા ઈથર કોર્પોરેશન નામના કારખાને પહોંચ્યા હતા. અહીં ગુજરાત ગેસ દ્વારા કનેક્શન આપવામાં આવ્યું હોય ત્યાં તપાસ કરાતાં કંપનીની મુખ્ય પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે બાકોરું પાડી અલગ કનેક્શનથી ગેસની ચોરી કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો :‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું તા.22એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલના હસ્તે લોન્ચિંગ
આ અંગે વધુ તપાસ કરતા કંપનીના સંચાલન કિશન ધરમશીભાઈ ભાલોડિયા (રહે.મેડી, કાલાવડ)એ જણાવ્યું હતું કે ઈથર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે 59,000 યુનિટ ગેસ ગેરકાયદેસર રીતે વાપરવામાં આવ્યો છે. આ પ્રમાણે ગેસની કિંમત 45 લાખ રૂપિયા જેટલી થવા જાય છે.
એકંદરે ઈથર કોર્પોરેશનના સંચાલક કિશન ભાલોડિયા, ભાગીદારો જય દિનેશચંદ્ર સભાયા, દિનેશચંદ્ર દેવરાજભાઈ સભાયા અને સેજલ મહેન્દ્રકુમાર ઝણકાર તેમજ ધરમશીભાઈ ભાલોડિયા સહિતે પાઈપલાઈનમાં ચેડાં કરી માનવ જિંદગીઓને જોખમમાં મુકી હતી સાથે સાથે ગેસની પણ ચોરી કરતા તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.
