હાથમાં મશાલ સાથે સળગતા અંગારા પર ગરબાની રમઝટ… ઉપલેટાના નિલાખા ગામે ખેલૈયાઓને જોનાર જોતાં જ રહી ગયા
નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. રાજકોટમાં અર્વાચીન રાસની ઝાકમઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત છે. અનેક જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોઈ તેવું પણ જોવા મળે છે ત્યારે આવું જ જોવા મળ્યું છે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે કે જ્યા ખેલૈયાઓ મશાલ સાથે રાસ રમી અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા છે. નવરાત્રિમાં માતાજીની આરાધનાનું ઉત્તમ ઉદાહરણ શું હોય શકે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નીલાખા ગામમાં એક નવદુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ-અલગ ટીમ રાસ રમી અને નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે ત્યારે આ વર્ષ આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ રમી અને મશાલ માંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા હતા.

આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત નીલાખા ગામના સાથ અને સહકારથી આજે પણ એક માત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ, બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબા રમે છે.

આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મશાલ રાસની પ્રેક્ટીસ કરીને નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો હતો જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે જ વખત રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમાં નોરતે રમવામાં આવે છે.