ઈન્ડિયા ગઠબંધનમાં ગાબડા : વધુ એક નેતા કોંગ્રેસને આંચકો આપવાની તૈયારીમાં, હવે કોણે કહ્યું’ગઠબંધન સમાપ્ત કરી નાખો’
કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધન ઇન્ડિયાના નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ પણ નારાજગી ઠાલવતા જોવા મળ્યા છે. ઓમર અબ્દુલ્લાહએ ગઠબંધનની કામગીરી પર સવાલો ઉઠાવતાં આક્ષેપો કર્યા હતા. બીજી બાજુ મુંબઇમાં પણ ગઠબંધન વિખેરાઈ જશે. ઉધ્ધવ ઠાકરે પણ આંચકો આપવાના છે. આમ ઈન્ડિયા ગઠબંધન ભૂતકાળ પણ બની શકે છે.
ઓમર અબ્દુલ્લાહએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક સમયથી ગઠબંધનની કોઈ બેઠક થઈ રહી નથી. તેમના લીડર કોણ રહેશે, આગામી એજન્ડા શું હશે, ગઠબંધન આગળ કેવી રીતે વધશે, તેના પર કોઈ ચર્ચા થઈ રહી નથી. અમે એક રહીશું કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ રહી નથી.
અબ્દુલ્લાહએ ગઠબંધનને સલાહ આપતાં કહ્યું છે કે, દિલ્હી ચૂંટણી બાદ ગઠબંધનની એક બેઠક થવી જોઈએ. તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા થવી જોઈએ. જો ગઠબંધન માત્ર લોકસભા સુધી જ સીમિત હતું, તો ગઠબંધનનો અંત લાવો. તેને વિધાનસભામાં પણ જાળવી રાખવુ હોય તો સાથે મળીને કામ કરવુ પડશે.
મુંબઈમાં પણ ગઠબંધન વિખેરાઈ જશે તેમ માનવામાં આવે છે કારણ કે ઉધ્ધવ ઠાકરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી એકલા હાથે લડવાનું મન બનાવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. સંજય રાઉતે પણ એવો સંકેત આપી દીધો છે. કોંગ્રેસને દિલ્હીમાં પણ મોટો આંચકો લાગ્યો છે. આપને મમતા અને અખિલેશ યાદવે ટેકો આપ્યો છે.