સાયબર માફિયા સાથે ‘સેટિંગ’ કરી મહિલા પાસેથી પૈસા પડાવી લેનાર ગઠિયો પકડાયો
- શેરબજારની `ટીપ’ મેળવવાના ચક્કરમાં રાજકોટની ગૃહિણીએ ૧૭.૪૪ લાખ ગુમાવ્યા’તા: પકડાયેલો શખ્સ એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતો હતો
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાછળ રહેતાં ગૃહિણીએ શેરબજારમાં કમાણી કરવા માટે `ટીપ’ મેળવવાના ચક્કરમાં ૧૭.૪૪ લાખ ગુમાવી દેતાં સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા તપાસનો ધમધમાટ કરી આ છેતરપિંડીમાં સામેલ શખ્સને વલસાડથી દબોચી લીધો હતો.
સાયબર ક્રાઈમ પીઆઈ આર.જી.પઢિયાર સહિતની ટીમ દ્વારા વલસાડના કીકરલા ઉદવાડા ગામના હરિશ વેલજીભાઈ ભાનુશાલી (ઉ.વ.૫૩)ની ધરપકડ કરવામાં આવી હતી. હરિશે સાયબર માફિયાઓ સાથે `સેટિંગ’ કરીને એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આ પછી સાયબર માફિયાઓ દ્વારા મહિલા પાસેથી પડાવી લીધે ૧૭.૪૪ લાખની રકમમાંથી ૧૦.૫૦ લાખ હરીશના ખાતામાં જમા કરાવ્યા હતા. એકંદરે પોલીસ દ્વારા અત્યારે હરીશના ત્રણથી ચાર બેન્ક એકાઉન્ટની વિગત મંગાવાઈ છે. જો કે તે પહેલાં તેના તમામ ખાતાં ફ્રિઝ કરાવી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગૃહિણીએ ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક જાહેરાત જોઈ હતી જેમાં એક વોટસએપ ગ્રુપ લીન્ક આપી હતી. આ વોટસએપ ગ્રુપ લીન્કમાં ઓનલાઈન સ્ટોક માર્કેટ શીખવા માટેનું ગ્રુપ હતું જે ગ્રુપમાં ગૃહિણી જોડાયા હતા. આ ગ્રુપમાં શેરબજારની ટીપ્સ અને રોકાણ કરીને ઉંચું વળતર મળશે તેવી લોભામણી વાત અને જાહેરાત જોઈ ગૃહિણીએ કટકે કટકે કરીને ૧૭.૪૪ લાખ અલગ-અલગ બેન્ક ખાતામાં જમા કરાવી દીધા હતા. આ પૈકી અમુક ખાતા હરીશ ભાનુશાલીના પણ હતા જેના આધારે તેની ધરપકડ કરાઈ હતી.