ભાયાવદર નગરપાલિકાના કારોબારી ચેરમેનના પતિ,પૂર્વ પ્રમુખ સંચાલિત જુગાર ક્લબ પકડાઇ: ભાજપ આગેવાન સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નેસ્તનાબૂદ કરવાની મળેલી સૂચના અન્વયે ભાયાવદર પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ભાયાવદર પોલીસે કુલ 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. એસએમસીએ બે દિવસ પૂર્વે ભાયાવદરના ખાખીજાળિયામાં જુગાર ક્લબ પકડી પાડી હતી જેને લઈને હવે રાજકોટ રૂરલ પોલીસે સજાગ બનીને ફરી એસએમસી આવે એ પૂર્વે જ દરોડો પાડ્યો.
જુગાર ક્લબ સંચાલક અતુલ માવજીભાઈ વાછાણી ભાજપના અગ્રણી છે અને ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પત્ની માયાબેન અતુલભાઈ વાછાણી હાલ ભાયાવદર નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે.
પોતાના જ ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી ભાયાવદર પોલીસને મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેઇડ પાડી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તા વડે `તેરપત્તી સીકીડીકી’ (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ રેડ દરમિયાન રોકડ રકમ રૂા.1,04,510 મોબાઈલ ફોન 06 નંગ િંકમત રૂા.40,000 વાહનોમાં 04 મોટરસાયકલ િંકમત રૂા.1,30,000 સહિત પોલીસે કુલ મુદ્દામાલ રૂા.2,74,510ના કબજે કરેલ.
પોલીસે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલભાઇ માવજીભાઇ વાછાણી (રહે. મયુરનગર, ભાયાવદર) – મુખ્ય સંચાલક, ચંદ્રેશભાઇ જેન્તીભાઇ વાછાણી (રહે. રોકડ શેરી, ભાયાવદર), દીનેશભાઇ શાંતીલાલ કનેરીયા (રહે. ખીજડા શેરી, ભાયાવદર), હીરેનભાઇ રમણીકભાઇ માકડીયા (રહે. પ્લોટ વિસ્તાર, ભાયાવદર), જયેશભાઇ ગોરધનભાઇ ભાલોડીયા (રશ્મિ કટલેરી વાળા, રહે. રોકડ શેરી, ભાયાવદર) તેમજ અન્ય એક સિનિયર સિટીઝન કીશોરભાઇ લખમણભાઇ માકડીયા (રહે. કૃષ્ણનગર સોસાયટી, ભાયાવદર) સીનિયર સિટીઝન હોવાથી તેમને નોટિસ આપીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
ભાયાવદરના લોકોના જણાવ્યા પ્રમાણે અતુલભાઇ વાછાણી કે, જેઓ વર્ષ 2008 માં ભાયાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ ઉપર ચુંટણી લડ્યા હતા અને જીતીને બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) સરકારને સમર્થન આપીને સત્તા બનાવી હતી ત્યારથી તેઓ બળવાખોર ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકેની છાપ ધરાવે છે. જો કે આ જ ભાજપ આગેવાન અને નેતાના ઘરે ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર તથા એ.એસ.આઈ. રોહિત વાઢેળ સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. વધુ તપાસ એ.એસ.આઈ. રોહિત વાઢેળ ચલાવી રહ્યા છે.
