ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ટેસ્ટ ડ્રો : ટીમ ઈન્ડિયાની WTC ફાઇનલમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. આ મેચ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જોકે, WTC ફાઇનલમાં પહોંચવાની ભારતની આશા હજુ પણ જીવંત છે અને તે બીજા સ્થાને રહીને તેના માટે ક્વોલિફાય કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે તેના બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન બનાવ્યા હતા. જો કે, આ પછી વરસાદે આગળની રમત અટકાવી દીધી અને બંને કેપ્ટનોએ મેચ ડ્રો પર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 260 રન પર સમાપ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 185 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા અને તેની કુલ લીડ 274 રનની થઈ ગઈ હતી. આ સમગ્ર મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ પછી પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા ટોચ પર છે.
ભારતે ફાઇનલમાં પહોંચવા માટે આગામી બે મેચમાં હાર ટાળવી પડશે. જો ભારત બાકીની બે મેચમાં એક ડ્રો અને એક જીત નોંધાવી શકે તો પણ તેની આશા જળવાઈ રહેશે. ગાબા ટેસ્ટ ડ્રો પછી, ભારત હવે મહત્તમ 138 પોઈન્ટ બનાવી શકે છે અને જો તે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન અને સિડની ટેસ્ટ જીતવામાં સફળ થાય તો તેનું PCT 60.52 સુધી પહોંચી શકે છે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આગામી બે મેચ જીતવામાં સફળ રહેશે તો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતી જશે.