બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ દુર્ગા પૂજા પંડાલમાં ગાયા ઇસ્લામિક ગીતો : હિન્દુ સમુદાયે વિરોધ કર્યો
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમુદાયને સતત હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે હવે કટ્ટરવાદીઓએ હવે ચટગાંવ શહેરમાં દુર્ગા પૂજાના મંચ પર ઇસ્લામિક ગીતો ગાયા હતા. માહિતી અનુસાર, જ્યારે લોકોના એક જૂથે પોતાને એક સાંસ્કૃતિક જૂથના સભ્ય તરીકે ઓળખાવ્યા અને ગુરુવારે સાંજે ચટગાંવ શહેરના જેએમ સેન હોલમાં ગીત ગાવા માંગતા હતા, ત્યારે પૂજા સમિતિના સભ્યોએ તેને મંજૂરી આપી.
પહેલા ધર્મનિરપેક્ષ ગીતો ગાયા, પછી ઈસ્લામિક ગીતો ગાયા
ત્યારે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે પહેલા જૂથે ધર્મનિરપેક્ષ ગીત ગાયું હતું, પરંતુ બીજું ગીત ઈસ્લામિક ગીત હતું. તેમણે કહ્યું કે દુર્ગા પૂજા પંડાલના મંચ પરથી ઈસ્લામિક ગીતો ગાવાથી હિંદુ સમુદાય અને ત્યાં હાજર હિંદુઓમાં રોષ ફેલાયો હતો. આ બાબતે પૂજા સમિતિના અધ્યક્ષ આસીસ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, અમે મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ઇસ્લામિક ગીતો ગાવાનું શરૂ કર્યું.
અધિકારીઓ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે પોલીસે જણાવ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં દોષિતોને સજા આપવામાં આવશે.
જેશોરેશ્વરી મંદિરમાંથી માતાના મુગટની ચોરી
આ પહેલા ગુરૂવારે સમાચાર મળ્યા હતા કે સાતખીરાના શ્યામનગરમાં આવેલ જેશોરેશ્વરી મંદિરમાંથી કાલી દેવીનો મુગટ ચોરાઈ ગયો છે. આ તાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ, 2021માં મંદિરની મુલાકાત દરમિયાન અર્પણ કર્યો હતો. ચોરીની આ ઘટના ગુરુવારે બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા પછી ઘરે ગયા હતા. એક અખબારના જણાવ્યા અનુસાર, પૂજારીના ગયા પછી, સફાઈ કર્મચારીઓને ખબર પડી કે દેવીનો મુગટ ગાયબ છે. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે કહ્યું, “ચોરને ઓળખવા માટે અમે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ.”
ભારતીય હાઈ કમિશને ચોરીની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી
ઢાકામાં ભારતીય હાઈ કમિશને તાજની ચોરીના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી છે. અમે 2021 માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન પીએમ મોદી દ્વારા જેશોરેશ્વરી કાલી મંદિર (સતખીરા) ને ભેટમાં આપેલા તાજની ચોરીના અહેવાલો જોયા છે, હાઇ કમિશને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. અમે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ અને બાંગ્લાદેશ સરકારને ચોરીની તપાસ કરવા મુગટ પાછો મેળવવા અને ગુનેગારો સામે પગલાં લેવા વિનંતી કરીએ છીએ.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, જેશોરેશ્વરી મંદિર ભારતીય ઉપખંડમાં ફેલાયેલ 51 શક્તિપીઠોમાંથી એક છે. જેશોરેશ્વરી નામનો અર્થ થાય છે જેશોરની દેવી. PM મોદીએ 27 માર્ચ, 2021 ના રોજ બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી.