આ મહિના થી પતિ કે પત્નીને US લઈ જવાનું મોંઘું પડશે, વિઝા ફીમાં થયો આટલો વધારો, વાંચો
ઈમિગ્રેશન પ્રોસેસમાં બહુ ખર્ચ આવે છે તે રિકવર કરવા માટે ફી વધારવી જરૂરી હોવાની ચોખવટ
અમેરિકાએ જુદી જુદી કેટેગરીના વિઝાની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. તેથી પહેલી એપ્રિલથી જ ભારતીયોને તેની અસર થવા લાગશે. હવેથી પોતાના સ્પાઉઝ એટલે કે પતિ-પત્નીને અમેરિકા લઈ જવા માટે વધારે ખર્ચ કરવો પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે ફાઈનલ રુલ લાગુ કર્યો છે. તેના કારણે વર્ષ 2016 પછી પહેલી વખત ફીમાં મોટો વધારો થયો છે.
અમેરિકાનું કહેવું છે કે ઈમિગ્રેશન પ્રોસેસમાં તેને બહુ ખર્ચ આવે છે. આ ખર્ચને રિકવર કરવા માટે ફી વધારવી જરૂરી હતી. તેના કારણે નવી એપ્લિકેશન પર તે વધુ ઝડપથી કામ કરી શકશે. યુએસ ફેડરલ રજિસ્ટ્રી પર આજથી નવી ફી દેખાડવામાં આવે છે અને પહેલી એપ્રિલથી તે અમલમાં આવશે.
ફેમિલી રિયુનિફિકેશન માટે જે ફોર્મ I-130 ભરવું પડે છે તેની ફી 26 ટકા વધારીને 675 ડોલર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરશો તો 625 ડોલર ભરવા પડશે. અમેરિકન સિટિઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર જ્યારે પોતાના કોઈ સ્વજનને કાયમ માટે અમેરિકા લાવવા માગતા હોય ત્યારે તેની સાથેના રિલેશન સાબિત કરવા માટે આ ફોર્મ ભરવું પડે છે. ત્યાર બાદ કોઈ સ્વજન પોતાનું સ્ટેટસ અપડેટ કરવા માગે અને ગ્રીન કાર્ડ માટે અરજી કરે તો તેણે હવે 1225 ડોલરના બદલે 1440 ડોલર ચૂકવવા પડશે. એટલે કે આ ફીમાં 18 ટકાનો વધારો થયો છે.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ જણાવ્યું છે કે I-129F ફોર્મની ફી વધારી દેવાથી અમેરિકા બહાર મેરેજ થવા લાગશે તેવું નથી લાગતું. કારણ કે કોઈ કપલ વિદેશમાં લગ્ન કરે ત્યારે તેણે I-129F ફાઈલ કરવા માટે 675 ડોલરની ફી ભરવાના બદલે સ્પાઉઝ માટે I-130 ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઓનલાઈન ભરવાની ફી 625 ડોલર અને પેપર ફાઈલિંગની ફી 675 ડોલર છે. તેથી વિદેશમાં જઈને લગ્ન કરવામાં આવે તો પણ ખર્ચમાં મોટી બચત નહીં થાય.
