રાજકોટ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પૂર્વે જ પડતર પ્રશ્નોનો મારો ચલાવતા પરવાનેદારો
રાજકોટ : આગામી તા.15ને શનિવારે પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજનાર છે તે પૂર્વે જ ગુરુવારે હોળીના તહેવારે રાજકોટના સસ્તા અનાજના વેપારીઓએ પુરવઠા વિભાગના કારણે ગ્રાહકો સાથે થતી કાયમી હૈયાહોળી અંગે વેદના ઠાલવવાની સાથે પડતર પ્રશ્નોનો ધોધ વહાવી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાને પહોંચતા માલમાં ઘટ હોવાનું તેમજ ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાકટર નિયમ મુજબ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી કમિશનમાં વિલંબ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.
રાજકોટ શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના હિતુભા જાડેજા, માવજીભાઈ રાખશીયા અને નરેન્દ્રભાઈ ડવની આગેવાની હેઠળ વેપારીઓએ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગના ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને જે જથ્થો પહોંચાડવામાં આવે છે તે સમ ભરતી કરેલ હોવા છતા પુરતો વજનનો હોતો નથી. સાથે જ સસ્તા અનાજના પરવાનેદારોને ડોર સ્ટેપ ડિલીવરીના માધ્યમથી અનાજ દુકાન પર સમયસર મળતું નથી તેમજ આ જથ્થો ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટરએ સસ્તા અનાજની દુકાનમાં વ્યવસ્થિત ગોઠવી આપવાની જવાબદારી હોવા છતા આવું કરવા માટે દુકાનદારો પાસેથી નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી.
વધુમાં છેલ્લા ત્રણ મહિનાથી 97 ટકા વિતરણ કર્યું હોવા છતાં દુકાનદારોને તફાવતનું કમીશન મળ્યું નથી. સાથે જ વારંવાર સર્વરના ધાંધિયાને કારણે વિતરણમાં ખુબજ મુશ્કેલી પડતી હોવાનું તેમજ ગ્રાહકો સાથે તકરાર થાય છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારની અલગ અલગ એજન્સીઓ માટે જુદા જુદા અલગથી બે વાર બાયોમેટ્રીક કેપ્ચર વેરીફાય કરવાની કામગીરીને કારણે દુકાનમાં લાંબી લાઈનો થાય છે. જેથી ડબલ ફિંગર પ્રિન્ટ ને બદલે સીંગલ બાયોમેટ્રીક કેપ્ચર વેરીફાય કરવા પણ માંગ કરી હતી. સાથે જ પરવાનેદારોએ સાયલન્ટ થયેલ રેશનકોર્ડ ધારકો જથ્થો ન લેવા આવતા હોવાના કારણે દુકાનદારો 97% વિતરણે પહોંચી શકતા ન હોય સાયલેન્ટ રેશનકાર્ડ ગણતરીમાં ન લેવા પણ માંગ ઉઠાવી હતી.