એફપીઆઈએ મે માસમાં બજારમાંથી રૂપિયા 28,200 કરોડ પાછા ખેંચ્યા
ચુંટણી પરિણામો બાદ નાણાકીય પ્રવાહ મજબૂત બનવાની નિષ્ણાતોની આગાહી
સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને અનુમાનો અને ચીનના બજારોમાં આકર્ષક મૂલ્યાંકન અંગેની અનિશ્ચિતતાને કારણે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 28,200 કરોડ પાછા ખેંચી લીધા છે.
મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતા વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં સ્ટોક્સમાંથી ચોખ્ખી રૂ. 8,700 કરોડની રકમ ઉપાડી હતી. અગાઉ, માર્ચમાં શેરમાં રૂ. 35,098 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1,539 કરોડનું રોકાણ કર્યું હતું.
આગળ જતાં, ચૂંટણી પરિણામો પછી એફપીઆઈ ઇક્વિટી પ્રવાહમાં નાટ્યાત્મક ફેરફાર થઈ શકે છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે રાજકીય સ્થિરતાની સ્થિતિમાં ભારતીય બજારમાં જંગી રોકાણ આવશે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીઓ પછી, ત્રણ મુખ્ય પરિબળોને કારણે ભારતમાં એફપીઆઈ નાણાપ્રવાહ મજબૂત થઈ શકે છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઢીલને પગલે પણ સારો પ્રતિસાદ રહી શકે છે.