કર્મચારીઓના શોષણ બદલ હિંદુજા પરિવારના ચાર સભ્યોને જેલની સજા
સ્વિત્ઝર્લેન્ડની અદાલતે પીડિતોને અપાવ્યો ન્યાય
20 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હિંદુજા નોકરોને દસમા ભાગનો પગાર પણ ન ચૂકવતા
એશિયાના પ્રથમ વિશ્વ શ્રીમંતોની યાદીમાં સ્થાન ધરાવતા અને સંયુક્ત રીતે 20 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હિંદુજા પરિવારના ચાર સભ્યોને ઘરેલું નોકરો અને કર્મચારીઓનું શોષણ કરવા બદલ સ્વીટઝરલેન્ડની અદાલતે ચાર થી સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.
સ્વીઝરલેન્ડના જીનીવા ખાતેની હિંદુજા પરિવારની વિલામાં ફરજો બજાવતા આ કર્મચારીઓ અને નોકરોનું શોષણ કરવા અંગે વર્ષ 2018 માં કેસ શરૂ થયો હતો. સતાવાળાઓએ હિન્દુજાની વૈભવશાળી વિલા પર દરોડા પાડી અને વ્યવસાયિક દસ્તાવેજો તેમજ હાર્ડ ડ્રાઈવ જપ્ત કર્યા હતા. એ અંગેનો કેસ ચાલી જતા એ પરિવારના વંશજ અજય હિન્દુજા અને તેની પત્ની નમ્રતા ને અદાલતે ચાર વર્ષની તથા અજયના પિતા પ્રકાશ હિંદુજા ( ઉ.વર્ષ 78) અને માતા કમલા ( ઉ.વર્ષ 72 ) ને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી હતી.
આ બધા સામે કર્મચારીઓનો પાસ પાસપોર્ટ જપ્ત કરી લેવા, વિલાની બહાર જતા અટકાવવા, એક પણ દિવસ રજા વગર દરરોજ 18 કલાક કામ કરાવવા તેમજ સ્વીસ માપદંડ મુજબની પ્રાથમિક સુવિધાઓ ન આપવા સહિતના આરોપો હતા.
કોર્ટે તમામ ચારેયને કામદારોનું શોષણ કરવા, અનધિકૃત રોજગાર આપવા, ન્યૂનતમ સ્વાસ્થ્ય લાભો આપવા અને સ્વિટ્ઝર્લેન્ડમાં આવી નોકરીઓ માટે માનક દરના દસમા ભાગ કરતાં ઓછું વેતન ચૂકવવા બદલ દોષિત ઠેરવ્યા હતા.હિંદુજાઓએ સ્વિસ સત્તાવાળાઓને છેતરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસરૂપે વારંવાર રિન્યુ કરાયેલા ટૂંકા ગાળાના શેંગેન-ઝોન **EU વિઝા પર આધાર રાખીને, યોગ્ય સ્વિસ દસ્તાવેજો વિના કામદારોને કામે રાખ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગયા અઠવાડિયે ફરિયાદીઓ સાથે બારોબાર સમાધાન કરાયું હોવાનું બહાર આવ્યું હતું.જો કે સ્વિસ સત્તાવાળાઓએ સંભવિત કાનૂની ફી અને દંડને આવરી લેવા માટે હીરા, માણેક, પ્લેટિનમ નેકલેસ અને અન્ય ઝવેરાત અને સંપત્તિઓ જપ્ત કરી છે.