અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ!? ટ્રમ્પે AI વિડિયો કર્યો શેર , FBIએ તેમને કોલર પકડીને નીચે ફેંક્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પુરોગામી અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિરુદ્ધ આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારીને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક AI-નિર્મિત ડીપફેક વિડિઓ શેર કર્યો હતો જેમાં ઓબામાને વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાંથી FBI દ્વારા ધરપકડ કરવામાં આવતા અને જેલની સળીઓ પાછળ નારંગી રંગનો કેદીનો ગણવેશ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. આ વિડિઓએ અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
” કાયદાથી ઉપર કોઈ નથી ” એવા કેપ્શન સાથેનાઆ વિડિઓની શરૂઆત ઓબામાના એક નિવેદનથી થાય છે, જેમાં તેઓ કહે છે, “કોઈ પણ, ખાસ કરીને રાષ્ટ્રપતિ, કાયદાથી ઉપર નથી.” આ પછી વિડિઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન સહિતના અન્ય ડેમોક્રેટિક નેતાઓને પણ તેવું જ નિવેદન કરતા દર્શાવવામાં આવ્યા છે. આગળના ભાગમાં ડેમોક્રેટ્સના આ નિવેદનોની મજાક ઉડાવવા માટે પ્રખ્યાત ‘પેપે ધ ફ્રોગ’ મીમનું ક્લાઉન સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વિડિઓનો મુખ્ય ભાગ ઓબામાને FBI દ્વારા હાથકડી પહેરાવીને ધરપકડ કરતા અને ટ્રમ્પને રહસ્યમય સ્મિત કરતા દેખાડાયા છે. અંતમાં, ઓબામાને જેલમાં નારંગી ગણવેશમાં દર્શાવવામાં આવ્યા છે.
આ વિડિઓ એવા સમયે આવ્યો છે જ્યારે ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડે ઓબામા પર 2016ની ચૂંટણીમાં ટ્રમ્પની જીતને નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. ડિક્લાસિફાઇડ દસ્તાવેજોનો હવાલો આપતા, ગબ્બાર્ડે દાવો કર્યો છે કે ઓબામા વહીવટના વરિષ્ઠ અધિકારીઓએ ટ્રમ્પની જીત રશિયન હસ્તક્ષેપને કારણે થઈ હોવાનું દર્શાવવા માટે બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત ગુપ્તચર દસ્તાવેજો ઉભા કર્યા હતા. ગબ્બાર્ડે ઓબામા અને પૂર્વ વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની માંગણી કરી છે,જેનું ટ્રમ્પે પણ સમર્થન કર્યું છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ : નારિયેળના વૃક્ષ સાથે અથડાયા બાદ એરક્રાફ્ટ કોલેજ પર પડતા 19 લોકોના મોત, 164 ઈજાગ્રસ્ત
ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ
ટ્રમ્પે શેર કરેલા આ વીડિયોને કારણે ભારે વિવાદ થયો છે. સોશિયલ મીડિયા પર ઘણા ટીકાકારોએ તેને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે, જ્યારે કેટલાકે આને એપ્સટીન ફાઇલ્સથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ટ્રમ્પના આ AI વિડિઓએ ડીપફેક ટેક્નોલોજીના ઉપયોગ અને તેના રાજકીય પરિણામો અંગે પણ મહત્ત્વના પ્રશ્નો ઉભાકર્યા છે. આ ઘટના રાજકીય દ્વેષ અને ટેક્નોલોજીના દુરુપયોગનું એક નવું ઉદાહરણ બની રહી છે.