આંખમાં મરચાંનો પાવડર નાખી પત્નીએ જ કરી પૂર્વ DGPની હત્યા : એક બાહોશ અધિકારીની જિંદગીનો કરુણ અંત
કર્ણાટકના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ઓમ પ્રકાશની હત્યા તેમની સ્કિઝોફ્રેનિયાથી પીડાતી પત્નીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.ઓમ પ્રકાશની તીક્ષ્ણ હથિયારોથી વિધાયેલી લોહીમાં લથબથ લાશ રવિવારે તેમના બેંગ્લોર ખાતેના નિવાસ્થાનેથી મળી હતી. ઘટના સ્થળે એ સમયે તેમના પત્ની પલ્લવી અને પુત્રી કૃતિ ઉપસ્થિત હતા. બનાવ અંગે મૃતકના પુત્ર કાર્તિકની ફરિયાદના આધારે પોલીસે પલ્લવી અને કૃતિની ધરપકડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર પલ્લવી ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાતા હતા.છેલ્લા 12 વર્ષથી તેમની સ્કિઝોફ્રેનિયાની સારવાર ચાલી રહી હતી.તેઓ અવારનવાર ભ્રમણાની સ્થિતિમાં રહેતા હતા, કાલ્પનિક બાબતોની કલ્પના કરતા હતા અને નિરાધાર
વિચારોને લઈને ચિતિત થઈ જતા હતા. તેમના પતિ તેને નુકસાન પહોંચાડી શકે છે તેવો કાલ્પનિક ડર તેમને ઘેરી પડયો હતો. પતિએ ઘણી વખત બંદૂક બતાવીને ઘમકી આપી હોવાનું રટણ તેવો કર્યે રાખતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઓમ પ્રકાશના પેટ અને ગળાના ભાગમાં છરીના અનેક ઘા મારવામાં આવ્યા હતા. પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. 1981 ની બેન્ચના આઈપીએસ અધિકારી 68 વર્ષના ઓમ પ્રકાશ મૂળ બિહારના ચંપારણના હતા. તેમણે જીઓલોજીમાં માસ્ટર્સ ની ડિગ્રી મેળવી હતી. 2015માં કર્ણાટકના ડીજી અને આઈજીપી બન્યા પહેલા તેમણે વિવિધ જિલ્લાઓમાં અને લોકાયુક્તમાં મહત્વની જવાબદારીઓ નિભાવી હતી અને એક ખૂબ બાહોશ પોલીસ અધિકારી તરીકે ખ્યાતિ મેળવી હતી. 2017માં તેઓ નિવૃત્ત થયા હતા.
હત્યા સમયે બન્ને સાથે ભોજન લઈ રહ્યા હતા

એક ચર્ચા એવી પણ છે કે ઓમ પ્રકાશે તેના કોઈ સંબંધીના નામે મિલકત ટ્રાન્સફર કરતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઘટના બની ત્યારે બંને સાથે ભોજન લઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પલ્લવીએ ઓમ પ્રકાશની આંખમાં મરચાની ભૂકી નાખ્યા બાદ છરીના ઘા ઝીંકી દીધા હતા.બાદમાં પોતે હત્યા કરી હોવાની અન્ય એક અધિકારીની પત્નીને જાણ કરી હતી.ઓમ પ્રકાશના પુત્ર કાર્તિકના જણાવ્યા મુજબ તેની બેન પણ ડિપ્રેશનથી પીડાતી હતી. માતા પુત્રી બંનેએ હત્યાની ધમકી આપતા ઓમ પ્રકાશ તેમના બહેનને ત્યાં ચાલ્યા ગયા હતા અને બે દિવસ પહેલા જ બેંગલુરુ સ્થિત ઘરે પરત ફર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી બે છરી અને કાચની તૂટેલી બોટલ કબજે કરી હતી.