RMCના ઈતિહાસમાં પહેલીવાર 3 ઝોનલ TPOની કરાશે નિમણૂક : 3 નામ ઉપર મંજૂરીની મ્હોર લગાવતી સિલેક્શન કમિટી
જ્યારથી રાજકોટમાં ગેઈમઝોન અગ્નિકાંડ સર્જાયો છે ત્યારથી લઈ આજ સુધી મહાપાલિકાની વહીવટી પ્રક્રિયા જોઈએ તે પ્રમાણે પાટે ચડવાનું નામ લઈ રહી નથી. ખાસ કરીને આ ઘટનામાં સૌથી બદનામ થયેલા ટાઉન પ્લાનિંગ વિભાગનું કામ રીતસરનું ખોરંભે ચડી ગયું છે. હજુ સુધી આ વિભાગમાં કાયમી ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકાયા નથી ત્યારે કામગીરી પૂર્વવત કરવા માટે પૂર્વ મ્યુ.કમિશનર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ વિભાગની સત્તાના ત્રણ ભાગ કરી નાખતો પરિપત્ર મહિનાઓ અગાઉ પ્રસિદ્ધ કરાયા બાદ હવે તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આગામી શનિવારે મળનારા જનરલ બોર્ડમાં ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરવા માટેની દરખાસ્ત કરવામાં આવશે.

આ સાથે જ મહાપાલિકાના ઈતિહાસમાં પહેલીવાર ત્રણેય ઝોન માટે અલગથી ટાઉન પ્લાનિંગ ઓફિસર કાર્યરત થશે. આ માટે ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા 7 જૂલાઈએ ત્રણ નામ ઉપર મંજૂરીની મ્હોર લગાવી દેવામાં આવી હતી. જેમને ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે પસંદ કરાયા છે તેમાં ભાર્ગવ બરવાળિયા, અભી પટેલ અને હેતલબેન માવજીભાઈ સોરઠિયાનો સમાવેશ થાય છે. જો દરખાસ્તને મંજૂરી મળે છે તો આ ત્રણેયને ક્લાસ-1 ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્રણેયની ઈન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે એટલા માટે દરખાસ્તને મંજૂરી મળ્યે સરકાર સમક્ષ મોકલવામાં આવશે અને ઑગસ્ટ સુધીમાં ત્રણેયને ટીપીઓ તરીકે જવાબદારી મળી જાય તેવી શક્યતા છે.બીજી બાજુ આ ત્રણેય ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસર ઈન્ચાર્જ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર કિરણ સુમરા સાથે મળીને કામગીરી કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગની સઘળી કામગીરી ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ)ના હાથમાં જ રહેતી હોવાથી કામગીરીમાં વિલંબ થવો, ભ્રષ્ટાચાર થવા સહિતના આક્ષેપો થયા હોય તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા ટીપી વિભાગના ત્રણ ફાડિયા કરી ત્રણેય ઝોન સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ માટે અલગથી ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરવા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો જેનો અમલ હવે કરાશે.
આ પણ વાંચો : નાનાને વ્યાજના પૈસા ચૂકવવા ન પડે એટલે દોહિત્રએ જ પતાવી દીધા : રાજકોટના રૈયાધાર પાસે વૃદ્ધની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો

તત્કાલિન ટીપીઓ સાગઠિયા સામે ઈડીની કાર્યવાહી કરવા સહિતની 9 દરખાસ્ત
આવતાં શનિવારે મળનારા જનરલ બોર્ડના એજન્ડામાં નવ દરખાસ્તો સામેલ છે જેમાં તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા સામે નાણાંની હેરફેરનો ગુનો નોંધવા સહિતની કાર્યવાહીને મંજૂરી આપવા, ત્રણ ઝોનલ ટીપીઓની નિમણૂક કરવા, સેન્ટ્રલ ઝોનમાં ત્રણ પબ્લીક ટોઈલેટ દૂર કરવા સહિતની નવ દરખાસ્તો સમાવિષ્ટ છે.