દેશમાં પહેલીવાર રાજકીય પક્ષ બન્યો આરોપી, કેજરીવાલનું પણ નામ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનું નવું ચાર્જશીટ દાખલ
દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે પૂરક ચાર્જશીટ દાખલ કર્યું છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પહેલીવાર આરોપી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવી છે. દેશમાં પહેલી વાર કોઈ પક્ષને આરોપી બનાવાયો છે.
EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે એક્સાઇઝ પોલિસી કેસમાં અપરાધની કથિત આવકના સંબંધમાં અરવિંદ કેજરીવાલ અને હવાલા ઓપરેટરો વચ્ચેની ચેટ શોધી કાઢી છે. એજન્સીનો દાવો છે કે કેજરીવાલે તેમના ગેજેટનો પાસવર્ડ શેર કરવાનો ઇનકાર કર્યા બાદ હવાલા ઓપરેટરોના ઉપકરણોમાંથી ચેટ રિકવર કરવામાં આવી છે. આ કેસમાં EDએ 21 માર્ચે 55 વર્ષીય કેજરીવાલની પણ ધરપકડ કરી હતી. કેજરીવાલ હાલ 1 જૂન સુધી સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર જેલની બહાર છે અને તેને ચૂંટણી પ્રચાર માટે આ જામીન આપવામાં આવ્યા છે.
આ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલુ આ આઠમુ ચાર્જશીટ છે. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે, એજન્સીએ BRS નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતા અને અન્ય ચાર સામે આવી જ ફરિયાદ દાખલ કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલને અગાઉ દિલ્હી એક્સાઇઝ પોલિસીના ‘કૌભાંડ’ના ‘કિંગપિન અને મુખ્ય કાવતરાખોર’ કહેવામાં આવ્યા હતા. EDનો આરોપ છે કે તેણે દિલ્હી સરકારના મંત્રીઓ, AAP નેતાઓ અને અન્ય લોકો સાથે મળીને કામ કર્યું હતું.
એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમારી પાસે સીધો પુરાવો છે કે કેજરીવાલ સેવન સ્ટાર હોટલમાં રોકાયા હતા. આ કેસના એક આરોપી દ્વારા બિલ આંશિક રીતે ચૂકવવામાં આવ્યું હતું. દિલ્હીની આ એક્સાઇઝ પોલિસી હવે નાબૂદ કરવામાં આવી છે. EDનો આરોપ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે કેજરીવાલ આ કથિત કૌભાંડ માટે પરોક્ષ રીતે જવાબદાર હતા. આબકારી નીતિ કેસ 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.
સ્વાતી માલીવાલ કાંડ એ ભાજપનું કાવતરું : આતિશી
આમ આદમી પાર્ટીએ આજે સાંજે સ્વાતી માલીવાલ મામલામાં ભાજપ ઉપર આરોપ નાખ્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું છે કે, આતિશી ખોટું બોલે છે. કેજરીવાલ ઘરે ન હોવા છતાં અને એપોઇન્ટમેન્ટ ન હોવા છતાં તે ભાજપના કહેવાથી કેજરીવાલના ઘરે ગઈ હતી વિભવ ઉપર ખોટો આરોપ લગાડ્યો છે. સ્વાતિના કપડા પણ ફાટ્યા નથી અને તેને કોઈએ મારી પણ નથી. ઉલટાનું તે પોલીસને અને વિભવને ધમકાવતી હતી તેવો વિડીયો વાઈરલ થયો છે. આતિશીએ કહ્યું હતું કે, કેજરીવાલના અંગત મદદનીશ વિભવે સ્વાતી માલીવાલ સામે દિલ્હીમાં ફરિયાદ પણ નોંધાવી છે.
