લૂંટારા માટે પોલીસ-પ્રજા બન્ને સરખા! રાજકોટમાં PSIના માતાનું ગળું હળવું કરનાર રીઢો તસ્કર પકડાયો
દિવાળીના પર્વમાં જ સાધુ વાસવાણી રોડ ઉપર વાયબ્રન્ટ હોસ્પિટલવાળી શેરીમાં આવેલા ઉત્સવ પાર્કમાં રહેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ રવિ કાસુન્દ્રાના માતા કે જેઓ મંદિરે દર્શનાર્થે કરવા નીકળ્યા ત્યારે તેમણે ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર તસ્કરને ઝોન-2 એલસીબી ટીમે દબોચી લઈ લૂંટેલો ચેઈન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝોન-2 એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે નવલનગર શેરી નં.9ના ખૂણે કૈલાસનગર-2માં રહેતા મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજીભાઈ જેઠવા (ઉ.વ.28)ને બે લાખનો ચેઈન તેમજ લૂંટમાં વાપરેલા સ્કૂટર સહિત 2.75 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો હતો.
મેહુલ સામે લૂંટ-ચોરી સહિતના 12 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેની સામે છેલ્લો ગુનો 2023માં નોંધાયો હતો. બે વર્ષથી તે ગુના આચરી રહ્યો ન્હોતો પરંતુ પૈસાની જરૂર પડતાં ફરી તેણે આ લૂંટને અંજામ આપ્યો હતો. ફરિયાદી વિજયાબેન જીવરાજભાઈ કાસુન્દ્રા (ઉ.વ.62) રવિવારે સવારે 6ઃ45 વાગ્યે તેમના ઘર પાસે આવેલા ચંદ્ર મોલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ચાલીને જતા હતા ત્યારે મેહુલે સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી.
