ખાદ્ય ચીજો, કપડાં, સલૂન, સિમેન્ટ થઈ શકે છે સસ્તા : GSTમાં સુધારા બાદ લોકોને ઘણી રાહત મળવાના સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી GSTમાં સુધારાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે GSTનો સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી. આ મામલે હવે મોટી અપડેટ આવી છે કે, સરકાર ટેક્સટાઈલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવા વિચારણા કરી રહી છે. આ ઉપરાંત કપડાં, સલૂન, સિમેન્ટ અને વીમા પ્રીમિયમ સસ્તા થઈ શકે છે. બેઠકમાં તેના પર ચર્ચા થવાની છે. ત્યારબાદ નિર્ણય જાહેર થઈ શકે છે.
નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ્સ અંતર્ગત ટેક્સનો બોજો હળવો કરવા ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કપડાંને 5 ટકાના GST સ્લેબમાં લાવવા વિચારણા થઈ રહી છે. સરકાર અમુક સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર GSTના દરોનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી મહિને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.

તદુપરાંત સિમેન્ટ સહિત અન્ય ચીજવસ્તુઓ તેમજ સલુન-બ્યૂટી પાર્લર જેવી ચીજવસ્તુઓ પર GST ઘટાડવા પર પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાના સલુન GSTમાંથી બાકાત છે. જ્યારે મધ્યમ અને હાઈ કેટેગરીના સલુન પર 18 ટકા GST લાગુ છે. જેનો સીધો બોજો ગ્રાહકો પર પડે છે. સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લાંબા સમયથી GSTમાં ઘટાડો કરવાની માગ છે. તદુપરાંત વીમા સંગઠનો દ્વારા ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર GST દૂર કરવાની માગ છે. જેના પર નિર્ણય લેવાઈ શકે છે. 4 મીટર સુધીની નાની કાર પર GST સ્લેબ 18 ટકા અને મોટી લકઝરી કારને 40 ટકા GST સ્લેબમાં લાવી શકે છે.
બ્રાન્ડ વિનાની મીઠાઈ પર હાલ 5 ટકા GST લાગુ છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ મીઠાઈ પર 18 ટકા GST. તદુપરાંત કાર્બેનેટેડ ડ્રિંક્સ પણ 18 ટકા GSTમાં સામેલ છે. કપડાંની કિંમતના આધારે 5થી 12 ટકાનો સ્લેબ લાગુ છે. રૂ. 1000થી ઓછી કિંમતના કપડાં પર 5 ટકા અને વધુ કિંમતના કપડાં પર 12 ટકા GST લાગુ છે. જો કે હવે તેમઆ ઘટાડો થઈ શકે છે. આ ચીજો 5 ટકાના સ્લેબમાં આવી શકે છે.
