વડોદરાની સંસ્થાના 350 સ્વયંસેવકો રામનગરીને ફુલથી શણગારશે: સાત રાજ્યમાંથી બે ટ્રકમાં 25000થી વધારે ફૂલ લવાયા
અયોધ્યામાં રામ મંદિર અને આખી અયોધ્યા નગરીને ફૂલથી શણગારવામાં આવી છે ત્યારે આખા અયોધ્યામાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. વડોદરાની સંસ્થા દ્વારા આ માટે તૈયારીઓ કરવામાં આવી છે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રામ મંદિરથી લઈને આખી અયોધ્યાને ફુલથી શણગારવામાં આવી રહી છે. વડોદરાની સ્વેજલ વ્યાસની ‘ટીમ રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાંથી 25 હજારથી વધારે ફુલ બે ટ્રકમાં ભરીને અયોધ્યા ખાતે લાવવામાં આવ્યા છે.
ટીમ રીવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટના આર્યન સિંહ ઝાલાએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, અમારી સંસ્થાના 350 થી વધારે સ્વયંસેવકોની ટીમ અયોધ્યા પહોંચી છે. અયોધ્યામાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત તારીખ 20, 21 અને 22 દરમિયાન રામ મંદિર, હનુમાન ગઢી, કાર સેવક પુરમ તેમજ અયોધ્યામાં જેટલા આશ્રમો આવેલા છે તે તમામને ફૂલથી શણગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમારી સાથે 350થી વધારે સ્વયંસેવકો આવ્યા છે જેમાં 150 માળી સમાજના પણ છે.