દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આ સ્થિતિને પગલે પગલે સેંકડો વિમાની પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અમેરિકા , લંડન અને કેનેડા જતી ફ્લાઇટ્સના ભાડામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે જે રૂટ પર ટિકિટના ભાવ વ્યાજબી હોય છે, ત્યાં અત્યારે વન-વે ટિકિટના દર રુ.3 લાખથી લઈને ₹10 લાખ સુધી પહોંચી ગયા છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા રૂટ ડાયવર્ટ કરવામાં આવતા ઈંધણના વપરાશમાં વધારો થયો છે, જેનો સીધો બોજ મુસાફરો પર પડી રહ્યો છે.
મની કંટ્રોલના અહેવાલ મુજબ દિલ્હીથી લંડન જવા માગતા મુસાફરો માટે 6 માર્ચે, એકમાત્ર નોન-સ્ટોપ ફ્લાઇટ, વર્જિન એટલાન્ટિક (VS303) ઉપલબ્ધ છે, જેનો એક-માર્ગી ભાડુ ₹9.12 લાખથી વધુ છે.બીજી બાજુ અમીરાત જેવી એરલાઇન્સ 26 થી 30 કલાકમાં દુબઈ થઈને લંડનની ફ્લાઇટ્સ પૂરી પાડી રહી છે અને તેની ટીકીટનો ભાવ 44,000 રૂપિયા જેવો છે.
ગલ્ફના દેશોની હજારો ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. ઇરાન અને આસપાસના વિસ્તારો પરથી વિમાન ઉડાડવા પર પ્રતિબંધ હોવાથી એરલાઈન્સને લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી 7 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સંચાલન રાબેતા મુજબ શરૂ થાય તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે.
અન્ય વૈકલ્પિક એરલાઈન્સમાં પણ આગામી 7મી તારીખ સુધીની તમામ ફ્લાઇટ્સ ફુલ થઈ ગઈ છે. કટોકટીના સમયે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓ માટે આ આર્થિક ફટકો ખૂબ મોટો સાબિત થઈ રહ્યો છે. એરલાઇન ક્ષેત્રના નિષ્ણાતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાડા હજુ પણ વધી શકે છે.
