ઉતર પ્રદેશનના કનૌજ નજીક ગોઝારા અકસ્માતમાં પાંચ યુવા તબીબોના મોત
કાર ડિવાઇડર ઠેકી સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ
લગ્નમાંથી પરત ફરતા હતા પણ કાળ આંબી ગયો
ઉતર પ્રદેશના કાનૌજ બુધવારે વહેલી સવારે થયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે પાંચ યુવાન તબીબોના કરુણ મૃત્યુ થયા હતા.જ્યારે અન્ય એક તબીબ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તમામ મૃતકો ઉતર પ્રદેશ યુનિવર્સિટીની સૈફાલી મેડિકલ સાયન્સ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર્સ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ઈટાવાહ ખાતે એક તબીબ સાથીના લગ્ન પ્રસંગેથી આ તબીબો પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે 3 વાગ્યાના અરસામાં લખનૌ આગ્રા હાઇવે પર કનૌજ નજીક એસયુવીના ચાલકને ઝોંકુ આવી જતા કાર ડીવાઈડર સાથે અથડાઈને બીજી તરફના રસ્તા પર રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી અને સામેથી આવતા એક ટ્રક સાથે અથડાતાં કારનું પડીકું વળી ગયું હતું.
મૃતકોમાં ડો.અનિરુદ્ધ શર્મા ( આગ્રા ઉ.29), ડો.સંતોષ મૌર્ય (રવિદાસ નજર ઉ.30), ડો.અરુણ કુમાર (કનૌજ ઉ.32), ડો.નરેન્દ્ર ગંગવાર ( બરેલી ઉ.32)અને બિજનોરના ડો.રાકેશ સિંઘ (ઉ.36,) નો સમાવેશ થાય છે. જયવિર સિંહ નામના બચી ગયેલા તબીબને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર અતિ સ્પીડમાં હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં એક સાથે પાંચ પાંચ યુવાન અને આશાસ્પદ તબીબોના મૃત્યુ થતાં યુપીની તબીબી આલમ શોકમાં ગરકાવ થઈ હતી.