બુંદેલખંડમાં આતશબાજી જીવલેણ સાબિત થઇ..વાંચો કારણ
ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌરવ મહોત્સવ દરમિયાન કરવામાં આવેલી આતશબાજી જીવલેણ સાબિત થઇ છે અને તેમાં ચાર બાળકોનો ભોગ લેવાયો છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જમીનમાં લગભગ પાંચ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.
બુંદેલખંડ ગૌરવ મહોત્સવ ચિત્રકૂટ ઈન્ટર કોલેજમાં ઉજવાઈ રહ્યો હતો. એવી માહિતી પણ મળી છે કે અહીં આતશબાજી જોવા આવેલા આ ચારેય કિશોર ફટાકડાના ઢગલા પાસે જ ઊભા હતા અને બ્લાસ્ટ થયો, જેમાં તેમના મોત થયા હતા.
બે દિવસીય બુંદેલખંડ ગૌરવ મહોત્સવનું સમાપન સમારોહ હતો. ફિલ્મ કલાકારોના સ્ટેજ અને ફટાકડાના શોની તૈયારીઓ ચાલી રહી હતી. આધુનિક ફટાકડા માટે ઇલેક્ટ્રિકલ વાયર સ્થળની પાછળ લગભગ 60 મીટરની આસપાસ નાખવામાં આવ્યા હતા. ઈમરજન્સી માટે બેટરીઓ પણ લગાવવામાં આવી હતી. આ વાયરો વડે 22 સ્ટેન્ડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. હાલમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ ચારેય મિત્રોમાંથી કોઈ એકે વાયરને અડ્યો હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને ફટાકડામાં આગ લાગી હતી.
આ અકસ્માત સર્જાતા 11થી 14 વર્ષના ચાર કિશોરે જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારનું આક્રંદ સૌને રડાવી ગયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.