મહાકુંભમાં ઇસ્કોનના રસોડામાં આગ લાગી: અનેક ટેન્ટ સળગ્યા
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં શુક્રવારે સવારે આગ ફાટી નીકળવાની ઘટના બનતા ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી સદભાગ્ય કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો દમ ખેંચ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મહાકુંભ નગરના સેક્ટર 18 માં શંકરાચાર્ય માર્ગ પર આવેલ ઇસ્કોનના રસોડામાંથી આગની શરૂઆત થઈ હતી. ઇસ્કોનની એ શિબિરના કેટલાક ટેન્ટમાં લગાવવામાં આવેલા એસી માંથી ગેસ લીક થતા આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ બનાવમાં અનેક ટેન્ટ આગની લપેટમાં આવી ગયા હતા.
નોંધનીય છે કે મહાકુંભ નગરમાં આ અગાઉ પણ આગ લાગવાની બે ઘટના બની હતી. આ પહેલા ગીતા પ્રેસ ગોરખપુર ની શિબિરમાં આગ લાગતા એક મહિલા આંશિક રીતે દાઝી ગઈ હતી. એ સમયે ભારે ભીડ હોવાને કારણે ફાયર ફાઇટરોને પહોંચતા વિલંબ થયો હતો અને 100 કરતાં વધુ ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા.ત્યાર બાદ ચતનાંગ ઘાટ ખાતે લાગેલી આગમાં બળી ગયા હતા. એ બધા ટેન્ટ ગેરકાયદે ખડકી દેવાયા હોવાનું બાદમાં ખુલ્યું હતું. ગત 29 મી તારીખે સંગમ ઘાટ પર થયેલી નાસભાગમાં 30 લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય 60 ઘાયલ થયા હતા. એ ઘટનામાં સરકાર સાચો મૃત્યુ આંક છુપાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
39 કરોડ લોકોએ કુંભની મુલાકાત લીધી
મહાકુંભ મેળાની અત્યાર સુધીમાં 39 કરોડ લોકો
મુલાકાત લઈ ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે હવે ભીડ ઓછી થઈ રહી છે. મોટાભાગના અખાડાઓની શિબિરો સંકેલી દેવામાં આવી છે. હવે 12 મી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા અને 26 તારીખે મહાશિવરાત્રીનું સ્નાન થશે અને ત્યારબાદ મેળાનું સમાપન થશે.