અંતે શાહજહા શેખ સીબીઆઇના હવાલે
હાઇકોર્ટનો આદેશ પણ નહી માનનાર મમતા સરકારને સુપ્રીમથી પણ ઝટકા બાદ
સંદેશખલી કેસમાં હાઇકોર્ટે બે આદેશ આપવા પડ્યા: કેન્દ્રીય દળો સાથે સીબીઆઇની ટીમ કોલકતા પહોંચી હતી: સીબીઆઇને કેસ સોંપવા સામેની અરજી સુપ્રીમે પણ ફગાવી
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર બંગાળના સંદેશખલી મહિલા અત્યાચારના પ્રકરણમાં મમતા સરકારને અદાલતોમાંથી પણ ઝટકા લાગ્યા છે અને મહિલા અત્યાચાર સહિત અનેક અપરાધના મુખ્ય આરોપી શાહજહા શેખને બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને અંતે સીબીઆઇને શેખની સોંપણી કરવી પડી હતી.
કોલકાતા હાઇકોર્ટ દ્વારા બુધવારે એવો આદેશ જારી કરવામાં આવ્યો હતો કે, બંગાળની સીઆઇડીએ તરત જ શેખને સીબીઆઇના હવાલે કરો. મમતા સરકારની અરજી હાઇકોર્ટમાં માન્ય રહી ન હતી અને એજ રીતે સુપ્રીમ કોર્ટથી પણ ઝટકો લાગ્યો હતો અને પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવાના આદેશને સુપ્રીમે પણ માન્ય રાખ્યો હતો. હાઇકોર્ટે બીજી વખત શેખને સીબીઆઇના હવાલે કરવાનો આદેશ આપવો પડ્યો હતો. પહેલા આદેશ બાદ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
બુધવારે બપોરે હાઇકોર્ટ દ્વારા અપાયેલા 4:15 વાગ્યાના સમય પહેલા જ સીબીઆઇની ટીમ કેન્દ્રીય દળો સાથે કોલકાતામાં પોલીસ હેડ ક્વાટર ખાતે શેખને કસ્ટડીમાં લેવા પહોંચી ગઈ હતી. જો કે, 4:15 વાગ્યે સોંપણી કરવાને બદલે ઘણું મોડું કરવામાં આવ્યું હતું અને કલાકો સુધી સીબીઆઇની ટીમ પોલીસ વડા મથકમાં બેઠી રહી હતી.
મંગળવારે મમતા સરકારે સંદેશખલી હિંસા અને ઇડીની ટીમ પર હુમલા અંગેના બનાવની તપાસ સીબીઆઇને સોંપવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આ હુકમ રદ્દ કરવાની માંગણી કરી હતી પરંતુ સુપ્રીમે અરજી ફગાવી દીધી હતી. શેખને સીબીઆઈથી બચાવવા માટે મમતા સરકારે શક્ય એટલા બધા જ પ્રયાસ કરી લીધા હતા પરંતુ અંતે શેખને અદાલતના આદેશ મુજબ સીબીઆઇના હવાલે કરવો પડ્યો હતો.
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદો: મહિલા પંચ
સંદેશખલીમાં મહિલા અત્યાચાર સહિતના અપરાધની જાત માહિતી મેળવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા પંચે પોતાનો સમગ્ર અહેવાલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપી દીધો હતો અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. અહી કાયદો વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગયાની માહિતી પણ અહેવાલમાં આપી હતી. પંચના પ્રમુખ રેખા શર્માએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને બધી માહિતી આપી હતી.