રાજકોટ એરપોર્ટ પર ફિલ્મસ્ટાર્સનો મેળો: રણબીર સિંહ,દીપિકા સહિતના કલાકારોનું આગમન, અંબાણી પરિવારના કાર્યક્રમમાં સેલેબ્સ આપશે હાજરી
રાજકોટ એરપોર્ટ ફિલ્મી ચમકથી ઝગમગી ઉઠ્યું હતું. એક પછી એક ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થતાં એરપોર્ટ પર સેલિબ્રિટીઓની હાજરીએ સૌનું ધ્યાન ખેંચી લીધું. જાણીતી અભિનેત્રી દીપિકા પદુકોણ, રણવીર સિંહ, આદિત્ય નારાયણ, નીતિ મોહન સહિત અનેક કલાકારોના ચાર્ટર્ડ વિમાન રાજકોટ એરપોર્ટ પર ઉતર્યાં હતાં.

મળતી માહિતી મુજબ, કલાકારો અને મહેમાનો ભેંસાણ નજીકના પાટવડ ગામે અંબાણી પરિવારના પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા રિલાયન્સનાં ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ એરપોર્ટ પર આવ્યા હતા ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ભેંસાણ પહોંચ્યા હતા.કાર્યક્રમને લઈ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અનેક ચાર્ટર્ડ ફ્લાઈટ્સના લેન્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.આલિયા અને રણબીર કપુરને લઈ ચાર્ટર્ડ રાજકોટ આવવાનું હતું,છેલ્લી ઘડીએ આ ચાર્ટર્ડ પ્લેન ગત સાંજે કેશોદ એરપોર્ટ પર લેન્ડ થયું છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી તથા તેમના પુત્ર રિલાયન્સ ન્યૂ એનર્જીના ચેરમેન અનંત અંબાણી પાટવડ ખાતે આવેલા તેમના ભવ્ય અને વિશાળ ફાર્મહાઉસ પર આવ્યા છે. ત્યાં અંબાણી પરિવારનો ખાસ પારિવારિક કાર્યક્રમ યોજાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે આમિર ખાન, સચિન તેંડુલકર સહિત અન્ય પ્રખ્યાત સેલિબ્રિટીઓ પણ રાજકોટ એરપોર્ટ પર ઉતરશે,સેલિબ્રિટી મૂવમેન્ટને લઈ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો :રાજકોટમાં હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું! DCPએ કહ્યું, કચેરીમાં આવતા અરજદારોએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે
વનતારા પછી હવે ગીર રિસોર્ટ!
નજીકનાં સુત્રોનાં જણાવ્યાં મુજબ, પાટવડ પાસે અંબાણી પરિવાર દ્વારા વનતારાની જેમ ગીર રિસોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યાં નીતા અંબાણીનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી તા.14થી તા.16 સુધી થશે. આ સમારોહમાં હાજરી આપવા દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, બિઝનેસમેન,ફિલ્મ કલાકારો, સિગર્સ, સ્ટાર ક્રિકેટર આવી રહ્યા છે. 85જેટલા વીવીઆઈપી આવી રહ્યા હોય તેમના માટે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યા છે. આ ઇવેન્ટ માટે જામનગર, કેશોદ અને રાજકોટ એરપોર્ટ પર મહેમાનોનું આગમન થશે. કેશોદ એરપોર્ટ પર 16 ચાર્ટડ ફલાઈટ અને રાજકોટ એરપોર્ટ ૪ જેટલાં ચાર્ટર્ડ પ્લેનની મુવમેન્ટ થઈ હતી.
