ગાઝાના રાજમાર્ગો પર ભીષણ જંગ ઇઝરાયલના વધુ 16 જવાનો શહીદ
જાબાલીયા કેમ્પ પરના હુમલામાં 50ના મોત
ગાઝામાં ફરી એક વખત ફોન, ઇન્ટરનેટ સેવા ઠપ્પ
ગાઝા ઉપર ઇઝરાયેલના હવાઈ અને જમીની હુમલા વધુ તીવ્ર બનતા યુદ્ધ વિષણ તબક્કામાં પહોંચી ગયું છે. ગાઝાના શહેરી વિસ્તારોમાં ઇઝરાયલની સેના અને હમાસના લડાકુઓ વચ્ચે આરપાર નો જંગ ચાલી રહ્યો હોવાનું ઇઝરાયેલના પ્રવક્તા જણાવ્યું હતું. સોમવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મેદાની વિસ્તારમાં થયેલા યુદ્ધમાં ઇઝરાયેલના 16 જવાનો મર્યા ગયા હતા. એ સાથે જ અત્યાર સુધીમાં ઇઝરાયેલના 316 સૈનિકો શહીદ થયા છે. બીજી તરફ ગાઝામાં ફરી એક વખત લેન્ડલાઈન તેમજ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ થઈ જતા ગાઝા બાકીના વિશ્વથી સંપર્ક વિહોણું બની ગયું હતું.
ઇઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારેએ ગાઝામાં ઇઝરાયેલની સેનાએ હમાસ ના મહત્વના લશ્કરી ઠાનાઓનો નાશ કરી આતંકીઓની કમર તોડી નાખી હોવાનો હુંકાર કર્યો હતો. એ દરમિયાન સોમવારે ઈઝરાયેલને જબાલીયા શરણાર્થી કેમ્પ ઉપર કરેલા બોમ્બમારામાં 50 લોકોના મૃત્યુ થયેલા થયા હતા જ્યારે અન્ય 150 ઘાયલ થયા હતા. ઘાયલો પૈકીના અનેકની હાલત નાજુક હોવાને કારણે મૃત્યુ આંક વધવાની સંભાવના છે. હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મોડી રાત સુધી ઘાયલ દર્દીઓની વણઝાર ચાલુ રહી હતી.હવાઈ હુમલાને કારણે તૂટી પડેલા મકાનોના કાટમાળ હેઠળ પણ કેટલાક લોકો દબાયા હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. આ હુમલામાં અલ જઝીરાના બ્રોડકાસ્ટિંગ એન્જિનિયર મહંમદ અબુ અલના પિતા અને બે બહેનો સહિત એક જ પરિવારના 19 સભ્યો માર્યા ગયા હતા . શરણાર્થી કેમ્પ ઉપર હુમલો કરવાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુનાઇટેડ નેશને આ બનાવને માનવતા વિરોધી ગણાવ્યો હતો. સાઉદી અરેબિયાએ પણ બનાવને વખોડી અને સત્વરે યુદ્ધ વિરામ કરવા માટે અપીલ કરી હતી. આ બનાવનાર અનુસંધાને ઇસ્ટ જેરુસલામ તથા પેલેસ્ટાઇનમાં એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ઇઝરાયલે હમાસના 11 હજાર થાણા નષ્ટ કર્યા
સાતમી ઓક્ટોબરથી શરૂ થયેલી એર સ્ટ્રાઈક દ્વારા અત્યાર સુધીમાં ઈઝરાયેલી વાયુ સેનાએ હમાસના 11000 લશ્કરી થાણા તબા કરી નાખ્યા છે. ઇઝરાયલે કરેલા બોમ્બમારામાં હમાસના આશ્રય સ્થાનો, શસ્ત્રાગારો, ઓફિસો, હમાસના નેતાઓના મકાનો તેમજ ભૂગર્ભ ટનલ નો નાશ થયો હતો. ઇઝરાયેલી સેનાએ જાહેર કરેલા આ આંકડા પરથી ગાઝા ઉપર કેવો અભૂતપૂર્વ બોમ્બ મારો થયો હશે તેનો અંદાજ આવે છે
લેબેનોન, યમન,સીરિયા તરફથી લગાતાર હુમલા
એક તરફ ઇઝરાયેલી સેના અને હમાસના લડાકુઓ વચ્ચે ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અન્ય સરહદો પણ સળગી છે. યમનના હાઉથી આતંકવાદીઓએ કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલાબાદ મંગળવારે ઇઝરાયલે રાતા સમુદ્રમાં પોતાની મિસાઈલ બોટનો જંગી કાફલો તેનાત કરી દીધો હતો. તે દરમિયાન લેબેનોન તરફથી મિસાઈલ અને રોકેટ હુમલાઓનો મારો ચાલુ રહેતા એ મોરચે જંગ વધુ તીવ્ર બનવાના એંધાણ વરતાઈ રહ્યા છે. દક્ષિણ સીરીયાની સરહદ પર આવેલા અમેરિકન એરફોર્સના થાણા પર છેલ્લી 12 કલાકમાં ચાર વખત મિસાઈલ અને ડ્રોન હુમલા થયા બાદ અમેરિકાએ ડ્રોન એટેક વડે સીરીયાના ઈરાન સમર્થિત આતંકવાદીઓના થાણા ઉપર વળતા હુમલા કર્યા હતા.
ઘાયલો અને વિદેશી નાગરિકો માટેર ફાહ સરહદ પહેલી વખત ખુલ્લી
કતાર અને ઇજિપ્ત ની મધ્યસ્થ બાદ ગાઝામાંથી ગંભીર રીતે ઘાયલ લોકો તેમજ ગાઝામાં રહેતા વિદેશી નાગરિકોને ઇજિપ્ત ખસેડવા માટે રફાહ સરહદ પ્રથમ વખત ખોલવામાં આવી હતી. ગાઝાના સત્તાવાળાઓએ 500 વિદેશી અથવા તો બેવડું નાગરિકત્વ ધરાવતા નાગરિકોની યાદી જાહેર કરી એ બધાને ઇજિપ્ત નજીકની રફાહ સરહદે પહોંચી જવા માટે અનુરોધ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અત્યંત ગંભીર રીતે ઘાયલ 80 દર્દીઓને લઈને એમ્બ્યુલન્સનો કાફલો પણ એ સરહદ પર પહોંચી હતી. આ દર્દીઓને ઇજિપ્તમાં સારવાર આપવામાં આવશે.