મીડિયા સમક્ષ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલચાલી : વ્હાઇટ હાઉસમાં થયેલો તમાશો વિશ્વએ નિહાળ્યો, વાંચો શું છે સમગ્ર મામલો
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત આણવાના અને શાંતિ સ્થાપવાના હેતુ સાથે યુકેનના પ્રમુખ ઝેલેન્સ્કીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે યોજાયેલી બેઠકમાં અસામાન્ય ઉગ્રતા સર્જાઈ હતી.નેતાઓએ એક બીજા સામે હાથ લાંબા કરી કરીને બૂમ બરાડા પાડ્યા હતા. ટ્રમ્પ અને જેડી વેન્સે, ઝેલેન્સ્કીએ અપમાનજનક વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો તો ઝેલેન્સ્કીએ ટ્રમ્પ રશિયા તરફથી વલણ ધરાવતા હોવાના ગર્ભિત આક્ષેપ કર્યા હતા. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સાફ શબ્દોમાં કહ્યું હતું કે કાં તો તમે પીસ ડીલ કરો અને નહિતર અમે હવે બહાર છીએ.

વ્હાઇટ હાઉસમાં મીડિયા સમક્ષ થયેલો આ તમાશો આખા વિશ્વએ નિહાળ્યો હતો. એક તબક્કે ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું. વાતાવરણ એ હદે બગડ્યું હતું કે બેઠક બાદ યોજાયેલ ભોજન સમારંભ પણ રદ કરી દેવામાં આવ્યો હતો અને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દેવાયેલી સલાડની ડિશો ઉપાડી લેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી તેમની સાથેની ઝેલેન્સ્કીની આ પ્રથમ મુલાકાત ઉપર આખા વિશ્વની નજર હતી.બેઠક શરૂ તો મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઈ હતી પરંતુ થોડીવારમાં જ માહોલ બગડી ગયો હતો.

જેડી વેન્સે ઝેલેન્સકી અપમાનજનક વ્યવહાર કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા મામલો વણસ્યો હતો.તે પછીવેન્સ અને ટ્રમ્પે ઝેલેન્સ્કીને રીતસર ખખડાવી જ નાખ્યા હતા. ઝેલેન્સકી શાંતિ ઇચ્છતા જ ન હોવાનો આક્ષેપ કરી ટ્રમ્પે બેઠક પૂર્ણ કરી દીધી હતી.નોંધનીય છે કે આ બેઠકની ફળશ્રુતિરૂપે યુદ્ધ વિરામ અને શાંતિ પ્રક્રિયા સંદર્ભે પ્રગતિ થવાની આશા હતી.તો ઝિલેન્સઝકીને ટ્રમ્પ સાથેની રૂબરૂ મુલાકાતમાં અમેરિકાને રશિયા તરફ ઝૂકતું અટકાવવાની આશા હતી પણ બન્યું છે ઊલટું જ. એકંદરે આ નિષ્ફળ બેઠકને કારણે યુદ્ધ પૂર્ણ થવાની આશાઓ ધૂંધળી બની ગઈ છે.

ઝેલેન્સકી શાંતિ ઇચ્છતા જ નથી: ટ્રમ્પ
આ બેઠક બાદ ટ્રમ્પે કહ્યું,” અમે આજે વ્હાઇટ હાઉસમાં ખૂબ જ અર્થપૂર્ણ બેઠક યોજી હતી. ઘણું બધું શીખવા મળ્યું જે આવા તણાવ અને દબાણ હેઠળની વાતચીત વિના ક્યારેય સમજી શકાય નહીં. લાગણીઓ દ્વારા શું બહાર આવે છે તે આશ્ચર્યજનક છે, અને મને ખાતરી થઈ છે કે જો અમેરિકા સામેલ હશે તો પ્રેસિડેન્ટ ઝેલેન્સકી શાંતિ માટે તૈયાર નથી, કારણ કે તેમને લાગે છે કે અમારી સંડોવણી અમેરિકાને વાટાઘાટોમાં મોટો ફાયદો આપે છે. પણ મારે ફાયદો નથી જોઈતો, મને શાંતિ જોઈએ છે. ઝેલેન્સકીએ ઓવલ ઓફિસ કે જે મારું પ્રિય સ્થળ છે ત્યાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અપમાન કર્યું છે. હવે તેઓ જ્યારે શાંતિ માટે તૈયાર થાય ત્યારે પાછા આવી શકે છે.”