ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે
ફાસ્ટેગનો ઉપયોગ સામાન્ય રીતે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા માટે થાય છે. જોકે, હવે તેનો ઉપયોગ પાર્કિંગ ફી ભરવા, ટ્રાફિક ચલણ ભરવા, વીમા પ્રીમિયમ અને ઇવી ચાર્જિંગ માટે પણ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્કો દ્વારા જાહેર કરાયેલા લગભગ 11 કરોડ ફાસ્ટેગ સાથે સરકાર તેને વધુ અનુકૂળ બનાવવાનો હેતુ ધરાવે છે જેથી ફાસ્ટેગનો ઉપયોગ એકસાથે અનેક વિવિધ હેતુઓ માટે થઈ શકે જેનો દેશના લોકોને ફાયદો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે તેવી માહિતી મંત્રી નીતિન ગડકરીએ આપી હતી.

ફાસ્ટેગના આ અપગ્રેડ અંગે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અને એનએચએઆઈએ બુધવારે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ફિનટેક કંપનીઓ સાથે મળીને એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપનો હેતુ ફાસ્ટેગના ઉપયોગ અંગે નવા વિચારો શોધવાનો અને આ અંગે ફિનટેક કંપનીઓના મંતવ્યો જાણવાનો હતો. આ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે ટોલ પ્લાઝા ઉપરાંત, ફાસ્ટેગનો ઉપયોગ ક્યાં અને કયા હેતુ માટે કરી શકાય છે.

ટ્રાન્સપોર્ટ માટે પણ લાભ
ગડકરી કહે છે કે ફિનટેક અને અન્ય હિસ્સેદારો સાથે મળીને સરકાર ફાસ્ટેગની ઉપયોગિતાને એક મજબૂત પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે યુઝર્સની સુવિધામાં વધારો કરે છે અને ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી સર્વિસનું સંચાલન કરવાનું પણ સરળ બનાવે છે.
આ પણ વાંચો : શું મલાઇકા અને અર્જુન વચ્ચે ફરી શરૂ થયું ઇલું-ઇલું? એક્ટ્રેસે અર્જુન કપૂરને ખાસ અંદાજમાં કર્યું બર્થડે વિશ
‘મલ્ટી લેન ફ્રી ફ્લો’ ટોલિંગ સિસ્ટમ
આ ઉપરાંત ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, બેઠકમાં ‘મલ્ટી લેન ફ્રી ફ્લો’ ટોલિંગ સિસ્ટમ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ એક એવી સિસ્ટમ છે જેમાં ટોલ પ્લાઝા પર વાહનો રોકાયા વિના ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે. આનાથી માત્ર ટોલ વસૂલાતમાં સુધારો થશે નહીં પરંતુ ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યાથી પણ છૂટકારો મળશે.