મહારાષ્ટ્રમાં સપાના નેતા અબુ આઝમીને ‘ઔરંગઝૈબ’ અંગેની ટિપ્પણી ભારે પડી : વિધાનસભા સત્ર સુધી સસ્પેન્ડ
મહારાષ્ટ્રમાં સપાના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીને ‘ઔરંગઝૈબ’ અંગેની ટિપ્પણી ભારે પડી ગઈ છે. ઔરંગઝેબ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ અબુ આસીમ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમને વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે મંગળવારે જ એમણે પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી હતી. આમ છતાં આ મુદ્દો હવે રાજકીય યુધ્ધમાં ફેરવાઇ ગયો છે .
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભા સત્રમાં અબુ આઝમીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, તેમને માત્ર એક સત્ર માટે જ સસ્પેન્ડ ન કરવા જોઈએ, તેમને વિધાનસભામાંથી હટાવી દેવા જોઈએ. છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને આપણે સરળતાથી છોડી ન શકીએ.
જોકે, ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ધારાસભ્યોને એક કરતાં વધુ સત્ર માટે સસ્પેન્ડ નથી કરી શકાતા. અમે એક સમિતિ બનાવીશું જે મૂલ્યાંકન કરશે કે શું આઝમીને ધારાસભ્ય તરીકે તેમના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી શકાય છે કે નહીં? બીજી બાજુ કોંગ્રસે પણ અબુનો બચાવ કર્યો છે.
યોગીએ કહ્યું, અબુને યુપી મોકલી દો, અમે સારવાર કરી દેશું
દરમિયાનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ વિવાદમાં ઝંપલાવી દીધું હતું અને બુધવારે એમણે વિધાનસભામાં અબુના નિવેદનની આકરી આલોચના કરી હતી અને એમ કહ્યું હતું કે અબુને યુપી મોકલી દો અહીં અમે એની બરાબર સારવાર કરી દેશું, અમે આવા લોકોની સારવારમાં વિલંબ કરતાં જ નથી. એમણે કહ્યું કે આવા લોકોને દેશમાં જ રહેવાનો કોઈ અધિકાર નથી. અબુ એક આક્રમણખોરના ગુણગાન ગાય છે. સપાએ તેને પાર્ટીમાંથી જ કાઢી મૂકવા જોઈએ.