ખેડૂતોના આંદોલનમાં ફરી ધમાલ : શંભુ બોર્ડર પર ઘર્ષણ, પોલીસ ટિયર ગેસ છોડતા 17 ખેડૂતો ઘાયલ
પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર શનિવારે ફરી અરાજકતા ફેલાઈ ગઈ હતી. ખેડૂતોએ તેમની માંગણીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા. જે બાદ વિરોધ કરી રહેલા ખેડૂતોએ શનિવારે દિલ્હી તરફની તેમની કૂચ મોકૂફ રાખી હતી. 17 ખેડૂતો ઘાયલ થયા હોવાનો દાવો કરાયો હતો. અંતે શનિવારની કૂચ મુલતવી રખાઇ હતી.
પંજાબના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે પત્રકારોને જણાવ્યું હતું કે બંને મંચોએ “પોતાની ટુકડીને પાછા બોલાવવાનો” નિર્ણય લીધો છે. પંઢેરે જણાવ્યું હતું કે હરિયાણાના સુરક્ષાકર્મીઓની કાર્યવાહી દરમિયાન 17-18 ખેડૂતો ઘાયલ થયા હતા.
પંઢેરે જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વની પાંચમી મહાસત્તા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 101 ખેડૂતોના સમૂહ પર બળપ્રયોગ કરી રહ્યા છે. ઘાઘર નદીમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે અંબાલા ડીસીના એસપી ખેડૂત નેતાઓ સાથે વાત કરી રહ્યા હતા. દુનિયાએ આ જોયું.
16 મીએ દેશમાં ટ્રેક્ટર માર્ચ,18 મીએ રેલ રોકાશે
ખેડૂત નેતા પંઢેરે કહ્યું કે 16 ડિસેમ્બરે પંજાબ સિવાય સમગ્ર દેશમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. પંજાબમાં 18મી ડિસેમ્બરે બપોરે 12 થી 3 વાગ્યા સુધી રેલ રોકો અભિયાન ચલાવવામાં આવશે. 18મી સુધી કોઈ જૂથ દિલ્હી તરફ કૂચ કરશે નહીં. આંદોલન હવે વધુ જલદ બનશે.ખેડૂત નેતાએ કહ્યું હતું કે એક તરફ તમે વાત કરો છો અને બીજી બાજુ બળનો ઉપયોગ કરો છો. હવે લોકોએ જણાવવું જોઈએ કે હિંસા કોણે કરી. અમારા સ્ટેજ અને ખેતરો પર ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા.