ફેમસ સિંગર ઝુબીન ગર્ગ બેફામ નશામાં હતો,લાઇફ જેકેટ ફગાવી દીધું હતું: સિંગાપુર પોલીસે અદાલતમાં કર્યો દાવો
આસામના અત્યંત લોકપ્રિય ગાયક કલાકાર ઝુબેન ગર્ગનું સિંગાપુરમાં ડૂબી જવાને કારણે થયેલું મૃત્યુ આકસ્મિક હતું અને તેમાં કશું પણ શંકાસ્પદ નથી, એવો દાવો સિંગાપુર પોલીસે અદાલતમાં કર્યો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના સમયે ગર્ગ ભારે નશામાં હતો અને તેણે લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે આસામ પોલીસે આ મામલે હત્યાની શંકા સાથે સાત લોકોની ધરપકડ કરી હોવાથી તપાસને લઈને મોટો વિરોધાભાસ ઊભો થયો છે.
19 સપ્ટેમ્બર 2025ના રોજ ઝુબેન ગર્ગ સિંગાપુરના લાઝરસ આઇલેન્ડ પાસે એક ખાનગી યાટ પાર્ટીમાં હાજર હતો અને ત્યાં દારૂનું સેવન થઈ રહ્યું હતું. ગર્ગ શરૂઆતમાં લાઇફ જેકેટ સાથે પાણીમાં ઉતર્યો હતો, પરંતુ બાદમાં તેણે તે ઉતારી નાખ્યું. ફરી તરવા જતાં તેને લાઇફ જેકેટ ઓફર કરાયું હતું, પરંતુ તેણે ઇનકાર કર્યો અને એકલો જ દરિયામાં ઉતરી ગયો. થોડા સમય બાદ તે પાણીમાં લથડી પડી અને ડૂબી ગયો હતો.
સિંગાપુર પોલીસે અદાલતમાં જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે પણ કોઈપણ પ્રકારના દુરાચાર કે હિંસાના પુરાવા મળ્યા નથી. પોલીસ અનુસાર ગર્ગ નશામાં હતો અને તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાયદેસર મર્યાદાથી ઘણું વધારે હતું. તેની હોટલ રૂમમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. યાટના કેપ્ટને પણ જણાવ્યું કે ગર્ગ ભારે નશામાં હતો અને તેમણે તેને લાઇફ જેકેટ પહેરવા બાબતે ચેતવણી આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે ગર્ગને હાઈપરટેન્શન અને એપિલેપ્સી જેવી તકલીફ હતી, પરંતુ ઘટનાના દિવસે ઝટકો આવ્યો હોવાનું દર્શાવે તેવા કોઈ નિશાન મળ્યા નથી. સાક્ષીઓના નિવેદન મુજબ તેણે સ્વેચ્છાએ પાણીમાં પ્રવેશ કર્યો હતો અને આત્મહત્યાની કોઈ નિશાની નથી. સિંગાપુર પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે.
ષડયંત્રની થિયરીઓ અને આસામ પોલીસની કાર્યવાહી
ઝુબેન ગર્ગના મૃત્યુ બાદ આસામમાં ભારે વિવાદ થયો હતો. મુખ્યમંત્રી હિમતા બિસ્વા સરમાએ એ ઘટનાને આસામના ગૌરવ સાથે જોડી જવાબદારોને કડકમાં કડક સજા આપવાનું જણાવી રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ઝુબેન ગર્ગનામેનેજર સિદ્ધાર્થ શર્મા, ફેસ્ટિવલ આયોજક શ્યામકાનુ મહંત અને તેના કઝિન ડીએસપી સંદીપન ગર્ગ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બૅન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામી સહિત કેટલાક લોકો દ્વારા ઝેર અપાયું હોવાની અને ષડયંત્રની થિયરીઓ ફેલાવવામાં આવી હતી. જોકે સિંગાપુર પોલીસે આ તમામ આરોપો નકારી કાઢીને આ ઘટના અકસ્માતની હોવાની અને તેમાં કશું જ શંકાસ્પદ ન હોવાનું અદાલતમાં સ્પષ્ટ કર્યું છે.
