ફડણવીસ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ: ૩૯ના શપથ
ભાજપના ૧૯, શિંદે જૂથના ૧૧ અને અજીત જૂથના ૯ને મંત્રી બનાવાયા: બે નાયબ
મુખ્યમંત્રી સહિત સરકારમાં કુલ ૪૨ મંત્રી થયા: નાગપુરમાં યોજાયો શપથવિધિ સમારોહ
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર હવે વિધિવત રચાઈ ગઈ છે અને ૨૩ તારીખે પરિણામ આવ્યાના ૨૧ દિવસ બાદ રવિવારે બપોર બાદ દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ નાગપુરમાં થયું હતું. અહીં રાજભવનમાં ભવ્ય શપથ સમારોહ યોજાયો હતો જેમાં કુલ ૩૯ ધારાસભ્યોએ મંત્રીપદે શપથ લીધા હતા. શપથ લેવડાવ્યા હતા. ભાજપના ૧૯, શિંદે જૂથની શિવસેનાના ૧૧ અને અજીત પવારની એનસીપીના ૯ ધારાસભ્યોએ શપથ લીધા હતા. રવિવારે ૩૩ કેબિનેટ અને ૬ રાજ્યમંત્રીઓ તરીકે ધારાસભ્યોએ શપથ લીધા હતા. આમ, ફડણવીસ સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત ૪૨ મંત્રી થયા છે જેમાં ૧ મુસ્લિમ અને ૪ મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે પણ મંત્રી બન્યા છે.
એ જ રીતે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના સુપુત્રી પંકજા મુંડે અને તેમના માસીયાઈ ભાઈ ધનંજય મુંડેને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એનસીપી તરફથી હસન મુસરીફ એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. જ્યારે ૪ મહિલાઓ મંત્રી બની છે. મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યો ધરાવતી વિધાનસભામાં ૧૫ ટકા એટલે કે ૪૩ સભ્યો જ મંત્રી બની શકે છે.
અઢી વર્ષ માટે જ મંત્રીપદ આપવાનો નિર્ણય
મહારાષ્ટ્રમાં ફડણવીસની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ગયું છે પરંતુ નોંધનીય બાબત એ છે કે, નવી પોલિસી મુજબ જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમને માત્ર અઢી વર્ષ માટે જ મંત્રીપદ આપવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે મંત્રીઓ પાસેથી શપથ પણ લેવામાં આવ્યા છે. હાઈકમાન્ડે એવો નિર્ણય લીધો છે કે મહાયુતિના બધા જ ધારાસભ્યો પર આ નિયમ લાગુ થશે ત્યારબાદ નવા ચહેરાઓને તક આપવામાં આવશે.